Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કચ્છમાં વેકિસનની બૂમરાણ વચ્ચે કંડલાના વ્યાપારી સામે કેસ નોંધાયો

સરકારની જાહેરાતો વચ્ચે વાસ્તવિકતા અલગ : સમગ્ર કચ્છમાં વેકસીનની બૂમરાણ વચ્ચે લોકોને ધક્કા : રવિ અને બુધ વેકિસન નહીં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : એક બાજુ રાજય સરકાર વેકિસન નો જથ્થો પૂરતો હોવાનો દાવો કરી વેકિસન નહિ લેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરે છે. બીજી બાજુ વાસ્તવિકતા અલગ છે. કચ્છમાં કોવિશિલ્ડ અને કોવેકિસન બન્ને વેકિસનનો જથ્થો અનિયમિત મળતો હોઈ અત્યારે વેકિસન લેવા માંગતા લોકો માટે ધરમધક્કા પડી રહ્યા છે.

સરકાર અને તંત્ર દ્વારા અપાતા વેકિસનના ડોઝ અંગેના જથ્થા માટેના આંકડાઓ અને વેકિસન સેન્ટર ઉપર ડોઝ લેવા જનારા લોકોને વગર વેકિસન ને પરત આવવાનો થતો કડવો અનુભવ દુઃખદ છે. સરકાર અને તંત્ર બન્ને ફરી આંકડાની માયાજાળ રચે છે. વેકિસન નહિ લેનાર સામે કાયદો ઘડે છે પણ વેકિસનના ડોઝ પૂરતી સંખ્યામાં પહોંચે એ પણ જોવું એટલું જ જરૂરી છે.

કંડલામાં પોલીસે વેકિસન નહિ લેનારા વ્યાપારી પારસ મેઘરામજી પ્રજાપતિ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કચ્છમાં બુધ અને રવિ બે દિવસ વેકિસન આપવાનું બંધ રહે છે. હવે બાકીના પાંચ દિવસ પણ વેકિસનનો જથ્થો મળતો નથી. કયાં કોવેકિસન અને કયાં કોવિશિલ્ડ મળશે એ વિશે પૂરતી જાણકારી નહી અપાતા બીજો ડોઝ લેનારા માટે પણ દોડાદોડ થાય છે.

(10:33 am IST)