Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કાકોડીમાં તળાવમાં ડૂબી જવાથી બે ભાઈનાં મોત

બનાવને પગલે પંથકમાં ભારે ચકચાર

અમદાવાદ, તા.૧૯ :  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં કાકોડી ગામે બે સગા ભાઈના તળાવમાં ડુબી જવાથી મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઇ હતી. મૃતક ભાઇઓના પરિવારમાં અને સમગ્ર ગામમાં જાણે શોકનો માતમ પથરાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં કાકોડી ગામે ભેંસ ચરાવવા જતી વખતે ઓમ બારોટ નામનો યુવક ભેંસ પર બેઠો હતો અને ભેંસ તળાવમાં જતી રહેતા ઓમ પાણીમાં ડુબવા લાગ્યો હતો. જેથી તેને બચાવવા તેના મોટા ભાઈ મોંટુએ તેની પાછળ પાણીમાં પડતા તે પણ ડુબી ગયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. હાલ નાના ભાઈ ઓમ જસુભાઈ બારોટ (ઉં.વ ૧૧)નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે મોટા ભાઈ મોંટુ જસુભાઈ બારોટ (ઉં.વ ૧૮)નો મૃતદેહ કલાકોની શોધખોળ બાદ મળી આવ્યો હતો. બંને ભાઈઓના મોતને લઈને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક જ પરિવારના બે સગા ભાઇઓના મોતને લઇ પરિવારમાં તો જાણે આભ તૂટી પડયુ હતુ. આ બનાવ બાદ સ્થાનિક ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.

(8:11 pm IST)