Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સાર્વત્રિક મેઘમહેર માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુન, ભજન, કિર્તન

માત્ર હળવો-ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા : કાલે મીઠાપુરમાં રામધુન

પ્રથમ તસ્વીરમાં વડીયામાં રામધુન અને બીજી તસ્વીરમાં માળીયા હાટીનામાં સત્યનારાયણની કથા યોજાઇ તે નજરેપડે છે.

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર-વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે જો કે મેઘરાજા વરસતા ન હોવાથી લોકોમા઼ ચિંતા પ્રસરી છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો પણ ઉંચોચડી જતો હોવાથી અસહ્ય ગરમીની અસરનો અનુભવ થાય છે.

ગઇકાલે માત્ર જુનાગઢ વિસાવદરમાં વરસાદી ઝાપટા પડયા હતા. જયારે રાજકોટના અમુક વિસ્તારોમાં ઘોઘમાર તો અમુક વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યા હતા.

મીઠાપુર

મીઠાપુર : ઓખામંડળ તાલુકામાં છેલ્લા ચારેક વર્ષથી વરસાદ નહીંવત પડયો છે. આ ઉપરાંત આ વર્ષે પણ હજુ સુધી વરસાદ ના કોઇ જ એંધાણ ન દેખાતા હોય ખુબજ ગરમી અને ધુળીયું વાતાવરણ હોય લોકો ખુબજ  ચિંતિત થયા છે. તેથી વરુણદેવને રીઝવવા અને વરસાદ આ વર્ષે તો આવે જ એવી વિનંતીના ભાવ સાથે સુરજકરાડીના નવનિર્મિતથી રામમંદિરે કાલે તા. ર૦ને શનિવારના રાત્રે ૧૦ કલાકે એક ભવ્ય રામધુનનું સુંદર આયોજન શ્રીરામ મંદિર કમીટી દ્વારા કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે સો રામભકતોને આ ધુનનો લાભ લેવા માટે આમં઼ત્રણ આપવામાં આવયું છે. આ વર્ષે વરસાદ થાય અને લોકોની તકલીફ દૂર થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે એમ કમીટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

માળીયા હાટીના

માળીયાહાટીના ફ માળીયા હાટીના પૂ. જલારામ મંદિરે મેઘરાજાને રીઝવવા માટે મહિલા મંડળ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. જેમાં આચાર્ય કેતનભાઇ  પેરાણીએ કથાનું રસપાન કરાવ્યું હતું. આ તકે ધુન, ભજનનું પણ આયોજન થયું હતું.

વડીયા

વડીયા : વડીયા પંથકમાં મેઘરાજાને પધરામણી કરવા માટે વડીયાના ધુધલીનાથ મહાદેવ મંદિર ખાતે વડીયાની કૃષ્ણપરા વિસ્તારની મહીલાઓ દ્વારા ચોવીસ કલાકની અખંડ ધૂનનું આયોજન રાખવામાં આવેલ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા રીસાઇ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. ચોમાસાની ઋતુને એક માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ વરસાદ નહીં વરસતા લોકોના જીવ ટાળવે ચોંટી ગયા છે અને લોકો પોત પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરવા લાગ્યા છે ત્યારે વડીયાના કૃષ્ણપરા વિસતારમાં આવેલ ધુધલીનાથ મહાદેવના મંદિર ખાતે આજે (ર૪) કલાક માટે અખંડ ધુનનું આયોજન કરવામાં આવેલ છે.

જામનગરનું હવામાન

જામનગર : શહેરનું આજનું હવામાન ૩પ મહત્તમ ર૬.૮ લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:36 am IST)