Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સોમનાથમાં સફાઇ કર્મચારીઓની હડતાલથી ઠેરઠેર ગંદકી-ગંદાપાણીની રેલમછેલ...

પ્રભાસપાટણ તા.૧૯ : સોમનાથ મહાદેવના મંદિરની આજુબાજુ તેમજ સમગ્ર પ્રભાસપાટણ શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગલાઓ અને ગટરો ઉભરાવવાને કારણે ગંદા અને દુર્ગધ મારતા પાણીની રેલમછેલ જોવા મળે છે. સોમનાથમાં આવતા યાત્રિકો અને સ્થાનિક લોકો પરેશાન થયેલ અને આ ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાનો પુરો ખતરો છે.

આ ગંદકીનુ મુખ્ય કારણ ન.પા.ના સફાઇ કર્મચારીઓ બે દિવસથી પોતાની માંગણીઓ ન સંતોષાતા હડતાલ ઉપર ઉતરેલ છે અને આ લોકોનો હડતાલનો વહેલી તકે અંત નહી આવે તો લોકોને જીવવુ મુશ્કેલ બનશે. આ સફાઇ કામદારોએ પોતાની માંગણીઓ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ.

ન.પા.ના સેટઅપ મુજબ ખાલી પડેલ જગ્યા ઉપર રોજમદાર સફાઇ કામદારોને કાયમી ભરતી કરવી, કોન્ટ્રાકટર પ્રથા, વેરાવળ પાટણ સંયુકત ન.પા. કાયમી ધોરણે નાબુદ કરવી જે કાયમી કર્મચારી મૃત્યુ પામેલ હોય અથવા નિવૃત થયેલ હોય તેને રોજમદાર તરીકે કામે લેવા, રોજમદાર કર્મચારીઓ સફાઇ કામ કરતા હોય તેને સમાન કામ સમાન વેતન કાયદા મુજબ ૧૫ થી ૧૬ હજાર પગાર ચુકવવા કાયમી સફાઇ કામદારોને સાતમા પગાર પંચનો લાભ આપો, ન.પા.ના ઓજી વિસ્તારમાં નવો ભળેલો હોવાથી ૧૦૦ માણસોની તાત્કાલીક ભરતી કરવી આ તમામ મુદ્દાઓ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ હતી.

કોઇ પરિણામ ન આવતા આ સફાઇ કર્મચારીઓ બે દિવસથી હડતાલ ઉપર ઉતરેલ છે. જેના કારણે પ્રભાસ પાટણ સોમનાથમાં ગંદકી ચારેબાજુ ફેલાયેલ છે.

(11:31 am IST)