Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મામાનું ખૂન કરનાર પર ફાયરીંગ કરવા દેશી પિસ્તોલ-તમંચો લાવ્યા પણ પકડાઇ ગયા

મોરબી એલસીબીએ હથિયાર-કાર્ટીસ સાથે બે શખ્સોને ઝડપી લીધા બાદ ચોંકાવનારી વિગતો ખુલી : પકડાયેલા અર્જુનસિંહ ઝાલાની કબુલાતઃ અજીતસિંહ અને દિગપાલસિંહ ગોહિલને રીમાન્ડ પર લેવા તજવીજ

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલા) સાથે એલસીબીનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી તા. ૧ર :.. મોરબીમાં દેશી પિસ્તોલ, તમંચો અને કાર્ટીસ સાથે પકડાયેલ બન્ને ગરાસીયા યુવાનને આજે રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાનાર છે. પકડાયેલ બે પૈકી એક શખ્સે મામાનું ખૂન કરનાર પર ફાયરીંગ કરવા હથિયારો લાવ્યાની કેફીયત આપી હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ તથા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઇ વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમના રવિરાજસિંહ ઝાલાની બાતમીને આધારે ટીમે મચ્છીપીઠના નાકા પાસેથી આરોપી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી અને દિગપાલસિંહ ઉર્ફે દિગ્વિજયસિંહ ગીરીરાજસિંહ ગોહીલ રહે હાલ મોરબી પીપળી રોડ ગજાનંદ સોસાયટી વાળાને ઝડપી લઇને તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ ૧ કિંમત ૧૦,૦૦૦, જીવતા કાર્ટીસ નંગ ૧૪ કિંમત રૂ. ૧૪૦૦ ખાલી મેગ્જીન અને દેશી બનાવટનો હાથ બનાવટનો તમંચો કિંમત રૂ. પ૦૦૦ સહિત કુલ ૧૬,પ૦૦ નો મુદામાલ કબજે લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હથિયાર બન્ને આરોપીઓએ મધ્ય પ્રદેશના અલીરાજપુરના જગતસિંગ સરદારજી પાસેથી લીધાની કબુલાત આપતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

ઝડપાયેલ આરોપી દિગપાલસિંહ ગોહીલ અગાઉ ધ્રાંગધ્રા ખાતે દરબાર-ભરવાડ વચ્ચે મારામારી દરમિયાન થયેલ ખૂનના ગુન્હામાં તેમજ ઇંગ્લીશ દારૂ હેરાફેરીમાં પકડાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમજ પકડાયેલ આરોપી અર્જુનસિંહના મામાનું બે મહિના પહેલા ખૂન થયેલ હોય. જેથી ખૂન કરવા વાળાને કોર્ટ મુદતે આવે ત્યારે કોર્ટમાં તેના પર ફાયરીંગ કરવા માટે હથિયારો લાવ્યાની અર્જુનસિંહે કબુલાત આપી હતી.

પકડાયેલ બન્નેને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે.

(11:20 am IST)