Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જામનગર જિલ્લામાં મિઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાનનો શુભારંભ

જામનગરઃ  સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લામાં મિઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાનનો શુભારંભ સિક્કાથી કરવામાં આવ્યો હતો. જેમાં ૯ માસથી ૧૫ વર્ષના તમામ બાળકોને આ રસી દ્વારા રક્ષિત કરવામાં આવશે. આ અભિયાનમાં જિલ્લાના અંદાજીત બે લાખ જેટલા ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને રસીકરણ કરવાનુ હોય, કોઇપણ બાળક રસીથી વંચીત ના રહે તે માટે ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા અપીલ કરવામાં આવી હતી તેમજ કોઇપણ જાતના અંધશ્રધ્ધા, વહેમ કે અફવા તરફ ધ્યાન આપ્યા વગર સમગ્ર જિલ્લાના તમામ સમાજના બાળકો મિઝલ્સ-રૂબેલા રસીકરણથી રક્ષિત થાય તે માટે હાકલ કરવામાં આવી હતી. આ અભિયાનમાં સમગ્ર જિલ્લામાં આગામી એક માસ દરમ્યાન ૯૭૪ શાળાઓ, ૮૯૧ આંગણાવાડી કેન્દ્ર તેમજ ૨૨૨ જેટલા મોબાઇલ સેશન્સ દ્વારા કુલ મળી મળીને ૨૦૮૭ રસીકરણ કેન્દ્રોમાં કુલ ૧૮૫ વેકસીનેટર દ્વારા મિઝલ્સ-રૂબેલા રસી આપવામાં આવશે. આ સમગ્ર અભિયાન દરમ્યાન જિલ્લાના તમામ સામુહિક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ચાલુ દિવસોમાં રસીકરણ કરવામાં આવશે. આ જિલ્લા કક્ષાના શુભારંભ કાર્યક્રમના તમામ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત વાલીઓ તથા બાળકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના પુત્ર તથા સિક્કા નગરપાલીકાના પ્રમુખશ્રીના પૌત્રને ઉદધાટન સ્થળ પર જ મિઝલ્સ-રૂબેલા રસી અપાવી અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડેલ જે ઉપસ્થિત તમામ લોકોમાં પ્રસંસા પામેલ. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નયનાબેન માધાણી, ધારાસભ્યશ્રી વલ્લભભાઇ ધારવીયા, ઉપપ્રમુખશ્રી વશરામભાઇ આહિર, નગરપાલીકા પ્રમુખશ્રી જુમાભાઇ, ઇકબાલભાઇ, કાસમભાઇ ખફી વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ તેમજ વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરશ્રી રવિ શંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર. અહેવાલઃ મુકુંદ બદિયાણી.જામનગર)

(11:55 am IST)