Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

અમિત ચાવડા-પરેશ ધાનાણી પુરગ્રસ્ત વિસ્તારોમાં ભાવનગર-મહુવા-રાજુલા થઇને ઉના પહોંચશે

સવારે ભાવનગર પહોંચ્યાઃ જાત માહિતી મેળવીઃ અસરગ્રસ્તોને સહાય આપવા અપીલ

રાજકોટ તા.૧૯: સૌરાષ્ટ્રને ધમરોળતા મેઘરાજાએ ભાવનગર, મહુવા, રાજુલા, ગીરગઢડા, ઉના પંથકમાં ભારે તારાજી કરી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણી આજે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ જાતમાહિતી મેળવશે અને લોકોને સધિયારો પાઠવી કોંગ્રેસ તરફથી શકય એટલી વ્યવસ્થા કરશે. અસરગ્રસ્તોના આંસુ લુછીને કોંગી નોતાઓ રાજય સરકારને લેખિત વિગતો પણ પાઠવશે અને તાકીદે સહાય ચુકવવા રજુઆતો પણ કરશે આજે સવારે ભાવનગર કોંગી નેતાઓ પહોંચ્યા છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે સવારે ૧૦:૩૦ કલાકે ભાવનગર પહોંચ્યા છે ત્યારથી તેઓ મહુવા, રાજુલા થઇને ઉના પંથકમાં પહોંચશે.

વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજયની સરકાર પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવામાં નિષ્ફળ નિવડી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આવતી કાલે ગુરૂવારથી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને અસરગ્રસ્ત લોકોને મળી તેમની સમસ્યાઓ સાંભળશે. કોંગ્રેસના બંન્ને નેતાઓએ માંગણી કરી છે કે સરકાર અસરગ્રસ્તોને તાત્કાલીક કેશડોલ અને ઘરવખરીની સહાય આપે. ખેતી અને પશુધનને થયેલા નુકશાનનો સર્વે કરવામાં આવે તથા જીવ ગુમાવનાર વ્યકિતના પરિવારજનોને તાત્કાલીક આર્થિક સહાય ચૂકવવામાં આવે. ઉપરાંત રોડ, રસ્તા અને વીજ પુરવઠો પૂર્વવત કરાવી ત્વરીત પગલાં લેવામાં આવે. કોંગ્રેસે અમદાવાદ, સુરત અને રાજકોટમાં કંટ્રોલરૂમ શરૂ કર્યા છે. કોંગ્રેસના કાર્યકરો અસરગ્રસ્તો સુધી પહોંચી મદદ કરી રહ્યા છે. સેવાદળની ટીમો પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

(11:41 am IST)