Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

લીલીયાના બાવડામાં વૃધ્ધ દંપતીની કરપીણ હત્યા થઈ

રાજ્યમાં વૃધ્ધાની સલામતીને લઈને ગંભીર સ્થિતિ : વૃદ્ધ દંપતી ગામડે ખેતી કરી એકલા રહી જીવન ગુજારતા હતા, ડબલ મર્ડરથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ

અમરેલી, તા.૧૯ : અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ રીતે હત્યા કરાઈ છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક દિવસ વિતવા છતાં વૃદ્ધ દંપતી ઘરની બહાર ન આવતા સ્થાનિકોને વૃદ્ધ દંપતીની હત્યાની થઇ હોવાની જાણ થઈ હતી. અમરેલી જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

લીલીયાના બવાડા ગામના વૃદ્ધ દંપતી ભીમજીભાઇ ભગવાનભાઈ દુઘાત (ઉ.વ.૭૨) અને તેમના પત્ની લાભુબેન દુધાત (ઉ.વ.૬૭) રહે છે. વૃદ્ધ દંપતી પોતાની ૧૨ વિઘાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને ૪ સંતાનો છે. જેમાં ૧ પુત્ર અને ૩ પુત્રીઓ છે. તેમનો પુત્ર સુરત ખાતે ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરે છે અને તે સુરત ખાતે જ રહે છે. તો ૩ દીકરીઓ પરણિત હોવાથી સાસરિયે છે. જેથી આ બંને વૃદ્ધ દંપતી ગામડે ખેતી કરી એકલા રહી જીવન ગુજારતા હતા. એક દિવસ એવો આવ્યો કે, આ બંને વૃદ્ધોની હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો હતો.

૧૭ જુનાના રોજ સાંજના સાડા ૭ વાગ્યાથી લઈને તારીખ ૧૮ જુનના રોજ સાંજના ૬ વાગ્યા પહેલા હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો હતી. મૃતકોના ભત્રીજા અને ફરિયાદી હિમતભાઈ દુધાતને તેમના કાકાનું કામ હોવાથી તેમના ઘરે જતા કોઈ જવાબ મળ્યો ન હતો. મકાનમાં અંદર જઈને જોતા કાકા અને કાકીની હત્યા નિપજાવી કાઢવામાં આવી હતી. બંનેની લાશ મળી આવી હતી. ઓસરીમાં લોહીલુહાણ હાલતમાં બંને વૃદ્ધ દંપતીની લાશ મળી હતી. મોટા તીક્ષ્ણ અને બોથડ હથિયારોના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી બંનેની હત્યા કરાઈ હતી. ઘરવખરી તેમજ સરસામાન વેરવિખેર કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને તેમના ભત્રીજાએ સ્થાનિક સરપંચ સહિતના ગામ લોકોને જાણ કરી હતી. મૃતદેહોને પીએમ અર્થે લીલીયા અને ત્યાર બાદ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બંને વૃદ્ધની લાશ ઓસરીના ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં મળી આવતા સમગ્ર ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો, ડોગ સ્કોવર્ડ અને એફએસએલનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. ઘરમાં સામાન વિખરાયેલો હોવાથી પોલીસને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. જોકે, સ્થાનિકોમાં ડબલ મર્ડરની ઘટનાથી ડર વ્યાપી ગયો છે.

(9:14 pm IST)