Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ગોંડલના વાસાવડ ગામના યુવાન સુજલ મયાત્રા રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છના કલેકટર: ધો.૧૨ માં એક માર્કસ માટે મેડિકલ લાઈન ચૂકી જનાર સુજલે ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ સાથે પાસ કર્યું યુપીએસસી

(વિનોદ ગાલા દ્વારા ભુજ) રાજ્ય સરકારે આજે શનિવારે કરેલી આઈએએસ ઓફિસર્સની  ટ્રાન્સફરમાં કચ્છ કલેક્ટર બદલાયા છે.  સીધી ભરતીથી આઈએએસ થયેલા ગુજરાતી અધિકારી સુજલ મયાત્રાને કચ્છના કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામના સુજલ મયાત્રાની કારકિર્દી યુવા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન રૂપ છે. અત્યારે રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છના કલેકટર તરીકે ખુરશીમાં બેસનાર સુજલ મયાત્રા માત્ર એક ટકો ઓછો હોવાને લીધે બારમાં ધોરણમાં ટોપ ટેનમાં આવતા ચુકી ગયા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ એક માર્ક ઓછો હોવાને લીધે સુજલ મેડિકલની લાઈન પણ ચુકી ગયા હતા. ડોકટર બનવાનું સપનુ જોનાર સુજલે ફાર્મા સેકટરમાં કરિયર બનાવીને માત્ર ૨૫ વર્ષની જ નાની ઉંમરે પ્રથમ પ્રયાસમાં યુપીએસસીની સિવિલ સર્વિસની પરિક્ષા પાસ કરી છે. 

નિરમા યુનિ. માંથી બી ફાર્મ અને પંજાબમાંથી માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ ફાર્મા સેકટરમાં કામ દરમ્યાન સુજલને પોતાના અભ્યાસ અને જ્ઞાનનો ઉપયોગ ન થતો જોવા મળતા તેમની કરીયરનો અહીંથી ટર્નિંગ પોઇન્ટ આવ્યો. સુજલે આઈએએસ બનવાનું નક્કી કર્યું અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી. ફાર્માની માસ્ટર ડીગ્રી હોવા છતાં તેમણે ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય સાથે પ્રથમ પ્રયત્નમાં જ યુપીએસસી ક્લિયર કરીને સાબિત કરી દીધું હતુ કે, ધ્યેય નક્કી હોય અને મહેનત હોય તો ઇચ્છીત સફળતા મેળવી શકાય છે.

(8:22 pm IST)