Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજુલાના વડ ગામ પાસે પોલીસ ઉપર પથ્થરમારો કરનારાની શોધખોળ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ :.. રાજૂલાના ભચાદર રોડે વડ ગામ પાસે ખાંભા પોલીસ સ્ટેશનના એટ્રોસીટી અને ખુનની કોશીશના ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા ગયેલ પોલીસ ઉપર આરોપીએ છરી ડે હૂમલો કરી બટકુ ભરી લીધુ હતુ અને વડ ગામના ૬ શખ્સોએ ભાગેડૂ આરોપીને પકડનાર પોલીસ ઉપર પથ્થરમારો કરી આરોપીને ભગાડી મુકયો હતો અને પોતે પણ નાસી છૂટયા હતાં.

રાજુલા પોલીસમાં દાખલ થયેલી પોલીસ ફરીયાદ અનુસાર રાજૂલા પોલીસ સ્ટેશનના એએસઆઇ સાંગાભાઇ મેરામભાઇ હુણ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ ભાડલીયા, રોહીતભાઇ પરમાર અને યુવરાજસિંહ વાળા સાથે ખાંભા પોલીસ સ્ટેશનના હૂમલો અને એટ્રોસીટી તથા ૩૦૭ ના ગુનામાં ફરાર આરોપી શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઇ ધાખડા રહે. વડ, વડ ગામે હોવાની બાતમી મળતા પ્રાઇવેટ વાહનમાં બપોરે ૧ર.૩૦ વાગ્યાથી વોચમાં હતા દરમિયાન દોઢ વાગ્યે ભચાદર રોડેથી વડ ગામના પાદરમાં પહોંચતા વડ ગામ તરફથી ડબલ સવારી સ્પ્લેન્ડરમાં વિશ્વરાજ મંગળુભાઇ બોરીચાની પાછળ બેસી શિવરાજ ઉર્ફે શિવા ધાખડા આવી રહેલ હોય પોલીસ સ્ટાફ તેને પકડવા જતા પોલીસ સાથે ઝપાઝપી કરી શિવા વાલાએ એએસઆઇ સાંગાભાઇને હાથ ઉપર અને વિજયભાઇને છાતીની ડાબી બાજુ અને હાથના પોચા ઉપર બટકૂ ભરી ભાગવાની કોશીશ કરતા પોલીસે તેને પકડી રાખેલ આથી શિવાએ કેડમાંથી છરી કાઢી હૂમલો કરતા કોન્સ્ટેબલ યુવરાજસિંહે આડો હાથ રાખતા તેને હથેળી ઉપર ઇજા થયેલ આ સમય દરમિયાન શિવા અને વિશ્વરાજે રાડો પાડી ઉશ્કેરણી કરતા વડ ગામના દિલીપભાઇ બાબુભાઇ ધાખડા, મહીપાલ ભરતભાઇ ધાખડા, રાહુલ જીલુભાઇ ધાખડા, અજય ભીખુભાઇ ધાખડા, જોરૃભાઇ ભીમભાઇ ધાખડા અને નાગરાજ મનુભાઇ ધાખડા ત્યાં આવી ગયા હતાં. સાંગાભાઇએ શિવરાજ વિશ્વજીત અને બીજા ૬ મળી આઠ સામે હૂમલો, આરોપીને ભગાડવામાં મદદ કરવી અને ફરજમાં રૃકાવટ સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

(1:32 pm IST)