Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

લીલીયાનાં બવાડા ગામનાં પટેલ વૃધ્ધ દંપતિની હત્યા લુંટના ઇરાદે કે મિલ્કતનો વિવાદ ? તપાસનો ધમધમાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૯ : અમરેલી, લીલીયાના બવાડા ગામે રાત્રીના નિંદ્રાધીન વૃધ્ધ પટેલ દંપતીની ભેદી હત્યા થતા ખળભળાટ મચી ગયો છે અને એસપીશ્રી નિર્લિપ્તરાય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા છે.

લીલીયાના બવાડા ગામેર હેતા ભીમજીભાઇ ભગવાનજીભાઇ દુધાત ઉ.વ.૭ર અને તેમના પત્ની લાભુબેન ભીમજીભાઇ દુધાત ઉ.વ.૭૦ ગઇકાલે સવારના પોતાના ખેતરે જતા આસપાસના લોકોને દેખાયા હતા અને ખેતરેથી આવી ઘરે ગયા  તેની પણ લોકોને જાણ હતી. પણ બપોર પછી વરસાવદ આવતા દંપતી ખેતરે ન ગયું હોવાનું સૌએ માન્યુ હતુ અને સાંજ સુધી તે ન દેખાતા તેમની બાજુમાં જ રહેતા તેમના ભત્રીજા હિંમતભાઇ નથુભાઇ દુધાતએ તપાસ કરતા તે ખાટલામાં સુતા હોવાનું અને બુમો પાડતા ઉઠતા ન હોવાનું જણાતા ગામના  આગેવાન જયસુખભાઇ પરબતભાઇ શિરોયાને જાણ કરી હતી. જયસુખભાઇએ ત્યાં જઇને જોતા આ દંપતિ ઘરની પરસાળમાં ખાટલા ઉપર સુતેલી હાલતમાં મૃત્યુ પામેલ અને લોહી લુહાણ હાલતમાં તથા ઘરનો સામાન વેર વિખેર જોવા મળતા તેમણે ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતને જાણ કરી હતી.

પ્રતાપભાઇ દુધાતે આ બનાવ અંગે એસપી શ્રી નિર્લિપ્તરાયને  જાણ કરી હતી. બીજી તરફ પોલીસ તંત્રને આ ઘટનાની જાણ થતા અમરેલીથી એસઓજી, એલસીબી તથા ડીવાયએસપી અને એસીપી શ્રી નિર્લિપ્તરાય બનાવના સ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ દંપતિને નિંદ્રાધીન હાલતમાં જ પતાવી દેવામાં આવ્યું હતું. તેમના શરી ઉપરના ઘરેણા હતા પણ ઘરનો સામાન વેર વિખેર હોય આ હત્યા લુંટના ઇરાદે થઇ છે કે બીજુ કોઇ કારણ છે તે જાણવા માટે લીલીયાના પીએસઆઇ શ્રી પ્રશાંત લકકડ અને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંન્ચના શ્રી કરમટા, શ્રી મોરી તથા એસઓજીના શ્રી મહેશ મોરી સહિતની પોલીસ ટીમ કામે લાગી છે.

મરનાર ભીમજીભાઇ દુધાતનુ ઘર કોઇ સીમ વિસ્તારમાં ન હતુ. પણ ગામમાં હતુ અને ગામમાં આ પતિ પત્નીની હત્યા થાય અને કોઇને જે તે સમયે ખબર ન પડે. મરનારનો દિકરો ઇન્દ્રવદનભાઇ દુધાત સુરત ખાતે છે અને તેમને ચાર દિકરીઓ છે તથા બારેક વિઘા આસપાસ જમીન છે આ વૃધ્ધ દંપતિ આ ઉંમરે પણ જાતે ખેતી કામ કરતુ હતુ. હત્યાનું કારણ શું છે કોઇએ લુંટ કે ચોરીના ઇરાદે કરી છે અથવા તો મિલ્કતનો કોઇ વિવાદ છે ? તેની અનેક પ્રકારની અટકળો અને ચર્ચા થઇ રહી છે. ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે હત્યારાઓ તાત્કાલીક પકડાય તે માટે રજુઆત કરી છે.

(1:30 pm IST)