Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અષાઢી બીજ પૂર્વે કચ્છમાં મેઘ મહેરથી કચ્છી માડુઓમાં હરખની હેલી: એક થી પાંચ ઈંચ વરસાદ :*ભુજ, નખત્રાણા, મુન્દ્રા, રાપર, અંજાર, અબડાસા, લખપતમાં મેઘ સવારી, ભચાઉ, માંડવી, ગાંધીધામમાં છૂટો છવાયો ઝરમર ઝરમર

(વિનોદ ગાલા દ્વારા (ભુજ) સૂકા મુલક કચ્છમાં સામાન્ય રીતે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની આસપાસ વરસાદનું આગમન થાય છે. પણ, ઓણ જેઠીયા મીં (જેઠ માં વરસાદ) ના આગોતરા આગમનથી કચ્છી માડુઓમાં હરખની હેલી છવાઈ ગઈ છે. સતત એક અઠવાડિયાથી ભારે ગરમી અને અતિશય બફારા પછી ગઈકાલે બપોર બાદ પલટાયેલા વાતાવરણ સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગઈકાલ બપોરથી મોડી રાત સુધી કચ્છના ૧૦ પૈકીના ૭ તાલુકાઓ ભુજ, નખત્રાણા, અબડાસા, લખપત, મુન્દ્રા, અંજાર, રાપરમાં છૂટા છવાયા એક થી પાંચ ઇંચ વરસાદથી મોટા ભાગના તાલુકા મથકો તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે પાણી વહી નીકળી હતા. જ્યારે અન્ય ત્રણ તાલુકાઓ ભચાઉ, ગાંધીધામ અને માંડવીમાં છૂટો છવાયો ઝરમર ઝરમર સામાન્ય વરસાદ પડ્યો હતો. ભુજની વાત કરીએ તો શહેરમાં બપોરથી સાંજ સુધી ભારે પવન સાથે બે ઇંચ વરસાદ પડ્યો હતો. ભુજમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પટેલ ચોવીસી અને ખાવડા બન્ની પંથકમાં ત્રણ થી પાંચ ઇંચ વરસાદથી પાણી પાણી થઇ ગયું હતું. રાપર, નખત્રાણા અને મુન્દ્રા પંથકમાં છૂટો છવાયો જોરદાર વરસાદ પડ્યો હતો. તો, અબડાસા અને લખપતમાં મોડી સાંજ પછી વાતાવરણ પલટાયું હતું અને રાત સુધી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. નવા નીરની પધરામણી સાથે જ અનેક સ્થળોએ નદીઓ આવી જતાં વાહનવ્યવહાર અટવાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભુજના હમીરસર તળાવમાં પણ નવા નીર આવ્યા છે.

(9:36 am IST)