Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જેતપુરના એડવોકેટ પિતા-પુત્રએ માસ્ટર ઓફ લોમાં યુનિવર્સિટી પ્રથમ-દ્વિતીય ક્રમાંક મેળવી રાજ્યમાં ઈતિહાસ સર્જી દીધો

અભ્યાસ માટે કોઈ ઉંમર હોતી નથી : ૬૨ વર્ષની ઉંમરે સિદ્ધિ હાંસલ કરી યુવાનોના પ્રેરણા સ્ત્રોત બન્યા

 જેતપુર, તા. ૧૯ :. શહેરના નામાંકીત ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલે પોતાની અભ્યાસ જીજ્ઞાશાના કારણે તેમના પુત્ર મહાવીર પટેલે એલ.એલ.એમ. (માસ્ટર ઓફ લો) જોઈન્ટ કરતા પોતે પણ એલ.એલ.એમ. કરવાનું નક્કી કરેલ. બન્નેએ જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એડમીશન લઈ અભ્યાસ શરૂ કરેલ. જેની યુનિવર્સિટી દ્વારા ૨૦૧૯માં લેવાયેલ સેમેસ્ટર-૪ની પરીક્ષામાં એન.આર. વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજમાં પરીક્ષા આપી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ અને તેમના પુત્ર મહાવીરભાઈ દ્વિતીય ક્રમાંકે ઉતિર્ણ થયેલ. આમ પિતા-પુત્ર એ એલ.એલ.એમ.મા સાથે પરીક્ષા આપી હોય અને બન્ને યુનિવર્સિટી ટોપર થયા હોય તેવી રાજ્યની પ્રથમ ઘટના છે.

આ અંગે જનકભાઈ પટેલે અકિલાના પત્રકાર કેતન ઓઝાને માહિતી આપતા જણાવેલ કે એવી કહેવત છે કે, પાકા ઘડે કાંઠા ન ચડે પરંતુ આ કહેવતને ખોટી સાબિત કરી ૬૨ વર્ષની ઉંમરે અભ્યાસ કરી અનેરી સિદ્ધિ મેળવી યુવાનોને શીખ આપી છે કે મન હોય તો માળવે જવાય. કોઈપણ ઉંમરે અભ્યાસ કરી શકાય છે. મારા પિતા પૂ. નારણભાઈ પટેલ ગાંધીવાદી વિચારધારાવાળા પૂર્વ ધારાસભ્ય છે. તેના ઉપરથી પ્રેરણા મેળવી જીંદગીમાં કયારેય પણ પીછેહઠ ન કરવી, મહેનત કરીએ તો તેનુ ફળ મળે જ છે. પોતે ગોલ્ડ મેડલના હક્કદાર છે.

જનકભાઈએ પોતાની કારકિર્દીમાં બાર એસોસીએશનના પ્રમુખ તરીકે બીનહરીફ નિમણૂક પામી સેવાઓ આપી છે. પ્રિન્સીપાલ કાઉન્સીલર સૌથી નાની વયે સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા ગયેલ. ઉપરાંત અન્ય રાજ્યો, યુનિયન ટેરીટરીમાં પણ કેસમાં સફળતા મેળવેલ છે. તેમણે સૌરાષ્ટ્રના સૌ પ્રથમ આતંકવાદ ધારા હેઠળના શહેરના કેસમાં દલીલ કરતા કોર્ટે આતંકવાદ ધારો લાગુ પડતો નથી તેવુ ઠરાવેલ. અનેક ચકચારી કેસોમાં સફળતા મેળવી છે. શહેરને સેસન્સ કોર્ટ મળે તે માટે હાઈકોર્ટમાં રૂબરૂ જઈ રજૂઆતો કરી લો મીનીસ્ટર પાસે બજેટમાં સેસન્સ કોર્ટની ખર્ચની ફાળવણી કરવા રજૂઆત કરેલ.

શહેરની વર્ષોથી જર્જરીત જેલને રીનોવેટ કરવા માટે પણ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ અને તે મંજુર થતા રીનોવેશનનું કાર્ય પૂર્ણ થયેલ. કાયદાની સાથે સાથે તેઓ સારા એથલીટ પણ હતા. કોલેજમાં અભ્યાસની સાથે વિવિધ સ્પર્ધાઓમાં પણ મહાત હાંસલ કરેલ. તેમના યોગદાન થકી ધર્મભકિત ગૌશાળાનું નિર્માણ થયેલ. સંગીતના શોખીન હોય ૭૨ રાગ-રાગીણી કરી શકે છે. સેવા કાર્યોમાં પણ યોગદાન આપતા રહે છે. તેમના પુત્ર મહાવીરભાઈ પણ પિતાના પગલે કાયદામાં નીપૂણ થઈ મ્યુ. કાઉન્સીલર રહેલ. ઉપરાંત શહેરના લેઉવા પટેલ મંડળના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેઓ પણ નેગોશીયેબલ કેસના માસ્ટર બ્લાસ્ટર છે.

આવી અનેરી સિદ્ધિ બદલ જનકભાઈના મો. નં. ૯૮૨૫૨ ૨૦૯૦૭ તેમજ મહાવીરભાઈ નં. ૯૮૨૫૬ ૦૪૯૭૯ ઉપર શુભેચ્છા  મળી રહી છે.

(3:17 pm IST)