Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

તળાજાના પીથલપુરમાં ગાજવીજ સાથે અડધો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો દ્વારા વાવણી કાર્ય વધુ વેગવંતુઃ મિશ્ર વાતાવરણનો માહોલ

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધો છે. આવા વાતાવરણ વચ્ચે ભાવનગર જીલ્લાના પીથલપુરમાં ગાજવીજ સાથે અડધો ઇંચ વરસાદ પડયો હતો.

ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી જીલ્લામાં વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાવણી કાર્ય શરૂ થયુ હતું. જો કે આજે વરાપ નીકળતા વાવણી કાર્ય વધુ વેગવંતુ થયુ હતું.

આજે સવારથી મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગર જીલ્લાનાં હળવા ભારે ઝાપટાથી લઇને અડધો ઇંચ સુધી વરસ્યો છે. તમામનાં પીથલપુરમાં ગાજવીજ સાથે અડધો ઇંચ વરસાદ પડયો છે.

ગોહિલવાડ પંથકમાં છૂટો છવાયો વરસાદ પડયો છે. જીલ્લાભરમાં વરસાદી માહોલ છવાયો છે. પણ મેઘરામ હજુ મન મુકી વરસતા નથી.

દરમ્યાન છેલ્લા ર૪ કલાક દરમ્યાન જીલ્લાનાં ઉમરાળામાં ૬ મી. મી., ગારીયાધારમાં ૧૧ મી. મી. ઘોઘામાં ૩ મી.મી. તળાજામાં ૧ર મી. મી. મહુવામાં ૧૪ મી.મી. અને વલભપુરમાં ૭ મી. મી. વરસાદ નોંધાયો છે. તળાજામાં પીથલપુર અને આજુ બાજુનાં ગામોમાં વિજ ગર્જના સાથે અર્ધો - પોણો ઇંચ વરસાદ પડયો છે.

સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ભાવનગર નજીક આવેલી માળનાથ ડુંગરમાળા ઉપર હરીયાળી ચાદર પાથરવામાં આવી હોય તેવી લીલોતરી છવાઇ ગઇ છે. જીલ્લામાં વરસાદી માહોલ બંધાઇ રહ્યો હોય ધરતી પુત્રોમાં વરસાદની આશા બંધાઇ છે.

જુનાગઢ

જૂનાગઢ : આજે સવારથી જૂનાગઢ સહિત સોરઠમાં ધુપછાંવ વાતાવરણ છે.

છેલ્લા ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં ૮પ મી. મી. વરસાદ નોંધાયો હતો. જેમાં ૧૭ મીમી વંથલીમાં ખાબકયો હતો.

ગત રાતથી મેઘાએ વિરામ લીધો છે. આજે સવારે પણ નોંધપાત્ર વરસાદના સમાચાર નથી.

સવારથી આકાશ ગોરંભાયેલું છે. ધુપછાંવ વાતાવરણને લઇ એકંદરે ગરમીમાં રાહત છે. સવારનું લઘુતમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટક અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૦.પ કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગર :  આજનું હવામાન ૩૩.૮ મહત્તમ ર૬.પ લઘુતમ ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧પ.૯ પ્રતિ કલાક પવનની ગતિ છેલ્લા ર૪ કલાકમાં જામનગર ૩ મી.મી., જામજોધપુર ૧૦ મી. મી., ધ્રોલ ૧ મી.મી., જોડીયા ૬ મી.મી., લાલપુર ૬ મી. મી., કાલાવડ ૧ર મી. મી. વરસાદ થયો હતો.

ધોરાજી

ધોરાજી : ધોરાજીમાં ગઇકાલે વરસાદનો પ્રારંભ થતાં સવાર સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો ખેડૂતોએ વાવણી કર્યા બાદ ધીમી ધારે વરસાદ આવતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો હતો. સીઝનનો કુલ વરસાદ ૧૦૦ મી.મી. ચાર ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. હાલમાં પણ વાદળછાયા વાતાવરણને કારણે ઠંડક પ્રસરી ગઇ છે. હજુ સુધી ડેમમાં કે નદીમાં પાણીના નવા નીર આવ્યા નથી.

(11:43 am IST)