Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ચરાડવા મહાકાળી આશ્રમે આગમાં રૂ. ૨૮ લાખનો ઘાસચારો ખાખ

કલેકટર આર.જે. માકડીયા સહિતની ટીમની ઝડપી કામગીરીથી મોટુ નુકશાન અટકયું: મંડપના ગાળા, ટેબલ-ખુરશીઓ સહિતનો માલસામાન પણ ભસ્મીભૂતઃ ચરાડવા તથા આસપાસના ગ્રામજનોની આગને કાબુમાં લેવા પ્રસંશનીય કામગીરી

 

તસ્વીરમાં ગૌશાળામાં ઘાસચારામાં આગ લાગતા તંત્ર દ્વારા તાત્કાલીક આગને કાબુમાં લીધી હતી

જામનગર, તા. ૧૯ :. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલા લાખો ભાવિકોના આસ્થાના પ્રતિક શ્રી મહાકાળી આશ્રમમાં આવેલા સુકા ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા આ આગથી ઘાસચારો સહિત રૂ. ૨૮,૦૮,૦૦૦નો માલ સામાન ભસ્મીભૂત થતા તલાટી મંત્રી દ્વારા પંચરોજ કામ કરવામા આવ્યુ હતું.

હળવદના ચરાડવા ખાતેના શ્રી મહાકાળી આશ્રમ સેવા ટ્રસ્ટની ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં તા. ૧૭-૬-૧૯ના રોજ આકસ્મીક આગ લાગી હતી.

શ્રી મહાકાળી આશ્રમ સેવા ટ્રસ્ટ ૮૪ ગૌમાતા, ૨૫ વાછરડી, ૨૦ ઘોડા-ઘોડી, ૮ નાના-મોટા આખલા સહિત ૧૩૭ પશુઓ રાખવામાં આવેલ છે. આ પશુઓ માટે ઘાસચારો ગોડાઉનમાં રાખવામાં આવે છે.

આ ઘાસચારામાં આગ લાગતા ૩૨ ટ્રક ઘાસ જુવારની કડબ રૂ. ૧૨ લાખ, મગફળીનુ ભુસુ ૨૪ ટ્રક રૂ. ૭,૬૮,૦૦૦, સુકો ખોળ ૧૦ ગુણી રૂ. ૧૭૮૨૦૦, રાજદાણ ૮૦ ગુણ, રૂ. ૮૪૦૦૦, ૪ ટેબલ, ૪ ખુરશી, ૨૫ ગાળા, મંડપ, ફર્નિચર સહિત રૂ. ૫,૭૭,૮૦૦ જેટલી રકમનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો.

આ આગથી રૂ. ૨૮,૦૮,૦૦૦નુ નુકશાન થયેલ છે.

આ આગ શા કારણે લાગી છે ? તે જાણી શકાયુ નથી. આ ઉપરાંત ગોડાઉનમાં કોઈ ઈલેકટ્રીક લાઈન પણ ફીટ કરેલ નથી કે ઈલેકટ્રીક કનેકશન નથી. આ આગના કારણે ગોડાઉનની દિવાલમાં તિરાડો પણ પડી ગઇ છે.

આ બનાવની જાણ થતાં મોરબી કલેકટરશ્રી આર.જે. માકડીયાએ તાબડતોબ તંત્રને સુચના આપતા મોરબી અને હળવદની ફાયર બ્રિગેડની ટીમે દોડી ગઇ હતી અને વધુ મોટુ નુકશાન થતું અટકયું હતું.

આ આગમાં સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી, પરંતુ પશુઓ માટેનો ઘાસચારો ખાખ થઇ ગયો છે, ત્યારે પશુઓ માટે હાલમાં ઘાસચારો ન હોવાથી સરકારશ્રી દ્વારા રાહતભાવે ઘાસચારો આપવામાં આવે તેવી વિનંતી શ્રી મહાકાળી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

આ આગને કાબુમાં લેવા માટે કલેકટરશ્રી આર.જે. માકડીયા, મામલતદારશ્રી સોલંકી, મોરબી નગરપાલિકા ટીમ, ચરાડવાના ગ્રામજનો તરફથી સરાહનીય કામગીરી કરાઇ હતી.

હળવદ તાલુકાના ચરાડવા શ્રી મહાકાળી આશ્રમમાં આવેલા સુકા ઘાસચારાના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળ્યા બાદ દોડધામ મચી ગઇ હતી અને મોરબી જીલ્લા કલેકટરશ્રી આર.જે. માકડીયાને આ આગના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ શ્રી આર.જે. માકડીયાએ પળભરનો પણ વિલંબ કર્યા વગર મામલતદારશ્રી સોલંકી સહિત લાગતા-વળગતા તંત્રને જાણ કરી હતી.

કલેકટરશ્રી આર.જે. માકડીયાની સુચનાથી તંત્ર દોડતું થઇ ગયું હતું અને આગને વહેલી તકે કાબુમાં લાવી દીધી હતી.

(11:41 am IST)