Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

તળાજા માર્કેટીંગ યાર્ડમાં લોકમત મેળવવામાં સફળ કોંગ્રેસ પણ સતા હાંસલ કરવામાં ભાજપનો વિજય થયો

ગુપ્ત મતદાનમાં કોંગ્રેસના આઠ પૈકીના એકએ ગદારી કરી : સરકારી અને પાલિકાના મળી ત્રણેય મતો ભાજપને મળ્યા

ભાવનગર, તા. ૧૯ : તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ. ચૂંટાયેલા સોળ ડિરેકટર, બે સરકારી કર્મચારી અને એક પાલિકાના પ્રતિનિધિ એમ સત્તર મતદારે ગુપ્ત મતદાન કરેલ. જેમાં ભાજપ તરફી પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયેલ હતા. કોંગ્રેસ એ લોકચુકાદો મેળવવામાં ભાજપને લપડાક આપી હતી, પણ સતા હાંસલ કરવામાં ભાજપની રાજયમાં સરકાર હોય સરકારી પ્રતિનિધિ બે અને પાલિકાના પ્રતિનિધિનો એક મળી ત્રણ મતો મળતા ભાજપ સતા હાંસલ કરવામાં સફળ રહ્યું.

તળાજા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ચૌદ ડિરેકટરો માટેની ચૂંટણી યોજાઇ. જેમાં ખેડૂત અને વેપારી પેનલ મળી કોંગ્રેસ એ આઠ બેઠક મેળવી અને ભાજપે છ આમ સત્તા સ્થાને રહેલ ભાજપને બહુમત મેળવવામાં કોંગ્રેસ સફળ રહ્યું, પણ આજે પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં ૧૪ ડિરેકટરો ઉપરાંત સરકારી કર્મચારી બે અને એક પાલિકાના પ્રતિનિધિ એક મળી સત્તર મતદાતાઓએ ગુપ્ત મતદાન કરેલ. જેમાં ભાજપ તરફથી જાહેર થયેલ ભીમજીભાઇ પંડયાને પ્રમુખપદ માટે દસ મત મળ્યા હતાં. તેની સામે કોંગ્રેસ તરફથી જાહેર થયેલા લખાઆતા ભમરને છ મત મળ્યા હતાં એક મત કેન્સલ થયેલ.

ઉપપ્રમુખ તરીકે ભાજપ તરફ  મસરિભાઇ રામભાઇ ભાદરકાને પણ દસ મતો મળ્યા હતાં. તેની સામે કોંગ્રેસએ જાહેર કરેલ હરજીભાઇ ધાધાલિયાને સાત મતો મળ્યા હતાં. કોંગ્રેસના આઠ સભ્યો પૈકીના એક સભ્ય એ ગુપ્ત મતદાનમાં કહી શકાય કે સાથી સભ્ય સાથે પીઠમાં ખંજર ભોકેલ હોવાનું સામે આવ્યું હતું.

જિલ્લામાં યાર્ડને નંબર ૧ બનાવવાની ઇચ્છા

પ્રમુખ તરીકે ચાર્જ સંભાળનાર ભીમજીભાઇ પંડયા પીઢ રાજકારણી છે. સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જવાબદારી નિભાવી છે. યાર્ડના પ્રમુખ તરીકે પ્રથમ વખત પદ હાંસલ કરેલ છે. તેમણે ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળે. વેપારીઓના પ્રશ્ન હલ થાય એ ઉપરાંત મહતવની બાબત કમિશન પ્રથાનો અભ્યાસ કરી જો યાર્ડનો વિકાસ વેપારીઓમાં કમિશન પ્રથાથી થાય અને તળાજા તાલુકાની ખેત જણસ તળાજા યાર્ડમાં જ આવે તેવા તમામ પ્રયત્નો કરીશું.

(11:38 am IST)