Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જસદણ અને વિંછીયા તાલુકાના કૃષિ મહોત્સવનું કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ઉદ્ઘાટન

જસદણ, તા. ૧૯ : રાજયમાં કૃષિક્ષેત્રે ગ્રામ્યકક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પદ્ધતિઓ, જળસંચય અને વીજળી સંચયના અભિગમો ખેડૂત સુધી પહોંચે તે માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને ખરીફ સિઝનની પૂર્વ તૈયારી માટે વધુ આધુનિક અને વૈજ્ઞાનિક જાણકારી મળી રહે તે હેતુસર કૃષિ મહોત્સવનું જસદણ અને વિંછીયા તાલુકામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અંગેનું માર્ગદર્શન મળી રહે તે હેતુસર કૃષિ પ્રદર્શન સ્ટોલ સાથે વૈજ્ઞાનિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવી હતી.

મંત્રી કુંવરજીભાઇ બાવળીયા કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજયસરકારની નીતિ હંમેશા ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહી છે. કૃષિ મહોત્સવએ રાજયના મહત્વના કાર્યક્રમો પૈકીનો એક છે. ગુજરાત સરકારના આ કાર્યક્રમ થકી આખા દેશમાં ગુજરાતે એક આગવું સ્થાન મેળવ્યું છે.

ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અંગેનું માર્ગદર્શન મળી રહે તે હેતુસર યોજાયેલા કૃષિ પ્રદર્શન સ્ટોલની મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી હતી. આ પ્રસગે જસદણ પ્રાંત અધિકારી અમિત એચ. ચૌધરી, જસદણ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ અરવિંદભાઇ તાગડીયા, વિંછીયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, ઉપપ્રમુખ વશરામભાઇ કોરડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન ડાભી સહિત વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

(11:32 am IST)