Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ભુજની સરકારી હોસ્પિટલમાં સ્પાઇનલ ટીબીનું ઓપરેશન સફળઃ પથારીવશ મહિલા દર્દી થઈ ચાલતી

ભુજ,તા.૧૯: પથારીવશ જીવન અને આર્થિક સામાન્ય પરિસ્થિતિ વચ્ચે મોંદ્યી સારવાર કરાવવી આજ ના સમયમાં મધ્યમવર્ગના પરિવાર માટે પડકારની સાથે સાથે મુશ્કેલ કાર્ય છે. જોકે, આવા આકરા સંજોગોમાં પણ ભુજના કુનરિયા ગામના ગરીબ પરિવારની ગૃહિણી હંસાબેન અરજણ કોલી માટે સરકારી હોસ્પિટલ અને તબીબો દેવદૂત બનીને આવ્યા. આખીયે વાત કંઈક આવી છે કે, હંસાબેન કોલી એકાએક પેરાપ્લેજીક નો ભોગ બન્યા, પેરાપ્લેજીકમાં દર્દીનો કમર નીચેનો ભાગ જડ થઈ જાય છે, જેના કારણે હલનચલન મુશ્કેલ બને છે.

હંસાબેન કોલી સતત પથારીવશ હતા સાથે તેમને કુદરતી હાજતની પણ મુશ્કેલી હતી. નાનકડા એવા કુનરિયા ગામના આ કોલી ગરીબ પરિવાર પાસે હંસાબેનનો ઈલાજ કેમ કરાવવો એ મોટી મુશ્કેલી હતી. આ પરિવાર કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જીકે જનરલમાં દાખલ થયો. તેમની તબીબો દ્વારા તપાસણી થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે, પેરાપ્લેજીકનું કારણ હંસાબેનના કરોડરજ્જુના ૫ માં અને ૬ ઠા મણકામા ટીબી છે, જેને કારણે પરું થયું હોઇ તેની અસરથી તેઓ હાલી ચાલી શકતા નથી, કુદરતી હાજતની પણ તેમને મુશ્કેલી ઉભી થઇ છે. અદાણી જીકે ના ઓર્થોપેડિક તબીબ ડો. ઋષિ સોલંકી માટે પણ કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલનું ઓપરેશન કરવું એક ચેલેન્જ હતી. દર્દી હંસાબેનના કરમની કઠણાઈ એ હતી કે, ઓપરેશન જોખમરૂપ હતું, કારણકે, ઓપરેશન છાતીના ભાગેથી (થેરોકટોમી) કરવું પડે તેમ હતું. જોકે, મુશ્કેલી દ્યટવાને બદલે વધી રહી હતી.

થેરોકટોમી નું આ ઓપરેશન પાર પાડવા માટે એનેસ્થેસિસ્ટ ડો. નિરાલી ત્રિવેદી માટે ચેલેન્જ એ હતી કે, એક જમણું ફેફસું ધબકતું રહે અને ડાબું ફેફસું બંધ રાખવું પડે તેમ હતું. હજીયે મુશ્કેલીનો અંત નહોતા બંધ ડાબું ફેફસું ધબકે તો જ ઓપરેશન બરાબર થાય એ જોવાનું હતું, અંતે બંધ ડાબા ફેફસાને મોઢા દ્વારા નળી નાખી કૃત્રિમ શ્વોસોશ્વાસ દ્વારા ધબકતું રખાયું. છાતીની એક પાંસળી કાપીને ફેફસા વાટે જગ્યા કરીને કરોડરજ્જુ માંથી પરું ને દૂર કરી દેવાયું. આમ, એક પછી એક મુશ્કેલીઓ માંથી તબીબોની સૂઝબૂઝથી રસ્તો નીકળતો ગયો અને સતત ૬ કલાક સુધી ઓપરેશન ચાલ્યું. બધાની મહેનત રંગ લાવી ઓપરેશન પછી હંસાબેન કોલી ધીરે ધીરે ડગ માંડીને ચાલતા થઈ ગયા છે, તો તેમની કુદરતી હાજતની મુશ્કેલી પણ દૂર થઇ ગઈ છે.ઙ્ગ

જોકે, ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં સારવારની સેવાઓ આ રીતે સુધરતી રહે અને લોકોની ફરિયાદો દૂર થાય એ દિશામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે.

(11:26 am IST)