Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભાણવડના કપુરડી પાટીયા પાસેથી અડધા કરોડનો દારૂ ભરેલ કન્ટેનર જપ્ત

ટ્રક ચાલક ઉત્તર પ્રદેશનો ગુરૂદેવાસિંઘ જાટ ઝડપાયોઃ કલીનર ફરારઃ અમૃતસરના લવજીતસિંઘ ઉર્ફે લવલી જાટ મોબાઈલ સૂચના આપે પછી માલની ડીલેવરી કરવાની હતી

ખંભાળીયા, તા. ૧૯ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી પાટીયા પાસે રૂ. ૫૬ લાખની દારૂની ૧૧૩૪૦ પેટી સાથે ઉત્તર પ્રદેશના કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. પોલીસે રૂ. ૭૭.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ. કે.જી. ઝાલા, એલસીબી પી.આઈ. એલ.ડી. ઓડેદરા, ભાણવડ પીએસઆઈ પી.એ. જાડેજા, એસઓજીના ઈન્ચાર્જ પી.આઈ. ડી.બી. ગોહિલની ટીમ દારૂનું દુષણ નાબુદ કરવા માટે કાર્યરત હતી ત્યારે કપુરડી પાટીયા પાસે કન્ટેનર નિકળતા તેમાથી જુદી જુદી બ્રાન્ડનો રૂ. ૫૬.૭૦ લાખનો દારૂ તથા ૩ મોબાઈલ અને કન્ટેનર મળી રૂ. ૭૭.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પોલીસે દરોડો પાડતા ટ્રક ચાલક ગુરૂદેવાસિંઘ સરવનસિંઘ જાટ રહે. ફીરોજપુર ખાદર, તા. જાનગર, જિલ્લો મુજફરનગર-ઉત્તર પ્રદેશની ધરપકડ કરી છે જ્યારે કલીનર નાસી છૂટયો હતો. ટ્રક ચાલકે જણાવ્યુ હતુ કે, અમૃતસરના ખાસામાં રહેતા લવજીતસિંઘ ઉર્ફે લવલી ગુરૂમીતસિંઘ જાટની સૂચના બાદ દારૂની ડીલેવરી કરવામાં આવનાર હતી. હાલમાં પોલીસે દારૂ અને ટ્રક ચાલકનો કબ્જો લઈને પૂછપરછ હાથ ધરી છે.

આ કામગીરી ભાણવડ પોલીસ સ્ટેશનના મહમદ યુસુફભાઈ બ્લોચ, દેવશીભાઈ સાજણભાઈ ગોજીયા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, નાગડાભાઈ ગઢવી, મહાવીરસિંહ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.(૨-૨૨)

(3:52 pm IST)