Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સાવરકુંડલા તાલુકા પંચાયતમાં સતા જાળવી રાખતી કોંગ્રેસઃ પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

આંતરીક બળવો અને સતા પલ્ટાની હવા વચ્ચે બન્ને હોદ્દેદારો બિનહરીફ

સાવરકુંડલા તા. ૧૯ :.. તાલુકા પંચાયતની બીજા અઢી વર્ષની ટર્મ માટેના પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનાં  ઉમેદવારોએ  છેલ્લા દિવસે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસના વર્તમાન ઉપપ્રમુખ શ્રી રાઘવજીભાઇ સાવલીયા પ્રમુખપદે અને તાલુકા પંચાયતમાં અગાઉ બે ટર્મ સુધી પ્રમુખપદે સફળ સેવા આપી છે તે બબલાભાઇ ખુમાણ ઉપપ્રમુખપદે બીન હરીફ વરણી પામ્યા છે.

વીસ સભ્યોનું સંખ્યાબળ ધરાવતી સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બાર ભાજપના સાત અને એક અપક્ષ સભ્ય ચૂંટાયા છે. ત્યારે બીજી ટર્મનાં હોદેદારોની ચૂંટણીમાં ભાજપ દ્વારા તડજોડની નીતિ અપનાવી નગરપાલીકાની માફક તાલુકા પંચાયતમાં આંતરીક બળવો કરાવી સત્તા હાંસલ કરી લેશે તેવી છેલ્લા  આઠેક દિવસથી વહેતી થયેલી વાતો વચ્ચે આજે કોંગ્રેસના બન્ને હોદેદારો બીન હરીફ વરાતા તાલુકા ભરનાં કોંગ્રેસી કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં પોતાનાં ટેકેદારોને હોદેદર બનાવવા માટે જીલ્લા કે રાજય કક્ષાનાં નેતાઓ દરમ્યાનગીરી કરતા હોય છે.

ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયતનાં ચૂંટાયેલા સભ્યોની સમજણ અને તાલુકાનો વિકાસ કરવાનો ભાવના થી ચૂંટાયેલા સભ્યોએ જ બન્ને હોદેદારોની બીન હરીફ વરણી કરી દીધી છે. જેથી જીલ્લા અને પ્રદેશ કક્ષાનાં નેતાઓએ માત્ર લીંબડ જશ જ ખાટવાનો પ્રયત્નો કર્યા હતાં.

(1:20 pm IST)