Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દેવભુમિ દ્વારકા જીલ્લા પંચાયતમાં સતા કબ્જે કરવા ભાજપના પ્રયાસોઃ જાળવી રાખવા કોંગ્રેસની દોડધામ

ખંભાળીયા તા. ૧૯ : દેવભુમી દ્વારકા જિ.પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દાની મુદત પૂર્ણ થતા આવતીકાલ તા.ર૦/૬/૧૮ ના રોજ જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં અઢી-અઢી વર્ષ માટે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી થનાર છે. ત્યારે ગત વખતે ૧૧/૧૧ સભ્યો થતા ટાઇ થતા ચિઠ્ઠી પડતા કોંગ્રેસના પ્રમુખ મિત્તલબેન ગોરીયા, તથા ભાજપના ઉપપ્રમુખ ગીતાબા વાઢેર થયા હતા જયારે આ વખતે ભાજપ દ્વારા સત્તા કબ્જે કરવા વ્યુહ રચના કરાઇ છે પણ સામાપક્ષે કોંગ્રેસે સતા જાળવી રાખવા મોટો વ્યુહ કરીને એક ભાજપના સદસ્યને લઇ લીધાનું કહેવાઇ રહ્યું છ.ે !!

ગત વખતે ભાજપના ૯ સદસ્ય જીત્યા હતા. તથા બે અપક્ષોએ તેમને ટેકો આપતા ૧૧નું સંખ્યા બળ થયું હતું જયારે સામાપક્ષે કોંગ્રેસને રરમાંથી ૧૧ થતા ટાઇ પડતા ચિઠ્ઠી નાખવાની થઇ હતી. તેથી આ વખતે કોંગ્રેસે સતા જાળવી રાખવાનો વ્યુહ અપનાવીને ભાજપનો એક સભ્ય ફોડીને તેને કોંગ્રેસના સભ્યો સાથે એક હોટલમાં હાલ રાખવામાં આવ્યાનું કહેવાય છે. ત્યારે ભાજપે ગત વખતે અપક્ષોએ તેમને ટેકો આપેલો તેને આગળ આપીને તેમના ટેકાથી સત્તા બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે.

ભાજપ મોવડી મંડળે ગાંધીનગર બેઠક યોજીને દ્વારકાના સીનીયર ભાજપના ધારાસભ્ય પબુભા માણેક તથા સાંસદ પૂનમબેન માડમને આ કામ સોંપ્યું છે.

જો કે ભાજપમાં અગાઉ શ્રીમતી હીરાબેન હરીભાઇ, મયુરભાઇ ગઢવી, દેવશીભાઇ કરમૂર તથા રણમલભાઇ માડમના નામો ચર્ચાતા હતા તો કોંગ્રેસમાં પી. એસ. જાડેજા તથા મુળુભાઇ કંડોરીયાના નામો ચર્ચાઇ રહ્યા છે.

જો કે કોંગ્રેસના એક સતવારા સદસ્ય તાજેતરની વિધાનસભામાં ભાજપના નેતાઓ સાથે ભાજપમાં પ્રવેશ કરેલો પણ તે સદસ્ય હવે કયાં જાશે ? તેની તેને પણ ખબર નથી...!!

સભ્યોની ખેંચતાણ બાબતે ભારે ચકચાર જાગી છે. તથા છેવટની ઘડી સુધી સસ્પેંશ રહે તો નવાઇ નહીં...

(1:17 pm IST)