Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જુનાગઢમાં પ્રેમલગ્નનાં પ્રશ્ને પુત્રી-જમાઇ ઉપર મહિલા સહિત ૪ શખ્સોનો ખૂની હૂમલો

જમાઇનાં પિતાનાં હાથનાં આંગળા કાપી પણ નાંખ્યા

 જુનાગઢ, તા. ૧૯:  જુનાગઢમાં પ્રેમલગ્નના પ્રશ્ને  પુત્રી-જમાઇ ઉપર ખૂની હુમલો કરી અને જમાઇનાં પિતાનાં હાથનાં આંગળા પણ મહિલા સહિત ૪ શખ્સોએ કાપી લેતા સનસનાટી મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢમાં જગમાલ ચોક વિસ્તારમાં રહેતા યુસુફ અબ્દુલ શેખનાં પુત્ર રમીજે શહેરમાં મજેવડી દરવાજા બહાર આવેલ ભારત મીલનાં ઢોરા વિસ્તારમાં રહેતી હીના સાથે પ્રેમલગ્ન કરેલ.

પરંતુ આ પ્રેમલગ્ન હીનાનાં મામા હનીફ બાટલી તથા માતા નજમાને પસંદ ન હતા આથી હનીફ તેમજ નજમા અને બે અજાણ્યા શખ્સો ગઇકાલે સાંજે યુસુફ અબ્દુલનાં ઘરે ઘસી ગયા હતા.

જયાં આ ચારેય જણાએ આડેઘડ મોટા છરા વડે હુમલો કર્યો હતો જેમાં રમીજ, હીના અને એજાઝને ગંભીર ઇજા થઇ હતી. 

તેમજ યુસુફભાઇના હાથનાં આંગળા કાપી ચારેય ઇસમો નાસી ગયા હતા. આ બનાવથી જગમાલ ચોક વિસ્તારમાં સોપો પડી ગયો હતો.

બનાવની જાણ થતા પી.આઇ. ગામેતી સ્ટાફ સાથે દોડી ગયા હતા. હુમલાખોરો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ચારેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. (૯.ર)

(12:34 pm IST)