Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

હત્યાના ગુનામાં સજા પડ્યાના પાંચમા દિવસે જ બોરડાના આહિર વૃધ્ધનું રાજકોટમાં મોત

૯૧ની સાલનો હત્યાનો ગુનો હતોઃ રાજકોટ જેલમાંથી બિમારીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાઃ સવારે મોત

રાજકોટ તા. ૧૯: ભાવનગરના તળાજા તાબેના બોરડા ગામે રહેતાં રામભાઇ સોમાતભાઇ ભમ્મર (ઉ.૬૦) નામના આહિર વૃધ્ધને પાંચમા દિવસ પહેલા જ ૯૧ની સાલના હત્યાના ગુનામાં સજા પડતાં ભાવનગર જેલમાંથી રાજકોટ જેલમાં બે દિવસ પહેલા ટ્રાન્સફર કરાયા હતાં. બિમારી સબબ સારવાર માટે તેમને જેલમાંથી ગઇકાલે સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ આજે સવારે તેનું મોત નિપજ્યું છે.

રામભાઇને ગત સાંજે રાજકોટ જેલમાંથી ડાયાબીટીશ, બ્લડપ્રેશર, હૃદયની તકલીફ સહિતની બિમારી સબબ સિવિલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયા હતાં. અહિ સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

મૃતક રામભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પુત્ર નાગાજણભાઇએ કહ્યું હતું કે ૯૧ની સાલનો હત્યાનો ગુનો હતો. જેમાં ત્રણેક દિવસ પહેલા જ સજા પડી હતી. પિતાને અનેક બિમારી હતી. પ્ર.નગર પોલીસે મામલતદારને સાથે રાખી પંચનામુ કરી કાર્યવાહી કરી હતી.

(12:24 pm IST)