Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

પડધરી પંથકના રમેશ રાણાની હત્યાની કોશિષના ગુનામાં પાંચ આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૮ :.. પડધરીના નાની અમરેલી ગામ પાસેથી દાતાર હોટલ પાસે રમેશભાઇ રાણાભાઇ મકવાણા ઉપર લોખંડના પાઇપ, તલવાર, ધોકા, છરી જેવા  હથિયારો વડે ખૂની હૂમલો કરીને હત્યાની કોશિષ કરવાના ગુનામાં પાંચ આરોપીઓએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને કોર્ટે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે રમેશ રાણા મકવાણા દલિતે ફરીયાદ નોંધાવી હતી ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે નાની અમરેલી ગામે આવેલ નીલકંઠ  પેપર મીલ દ્વારા પ્રદુષણ થતું હોય આ બાબતે વિરોધી કરતાં સામ સામી ફરીયાદો થયેલ જેનો ખાર રાખીને દાતાર હોટલે ફરીયાદી રમેશભાઇ અને તેના મિત્રો હોટેલે બેઠા હતાં. ત્યારે આરોપી ભાવેશ  પટેલે હવામાં ફાયરીંગ કરી અન્ય આરોપીઓએ ઘાતક હથિયારો વડે હૂમલો કર્યો હતો.

પોલીસે આ કામના આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ કરતા પોતાની ધરપકડથી બચવા આ કામના આરોપીઓ પૈકીના હિતેષભાઇ દેવશીભાઇ ગોંડલીયા, અરૂણભાઇ મોહનભાઇ સોરઠીયા, ખીમજીભાઇ કડવાભાઇ મારવીયા, ભગવાનજીભાઇ નરશીભાઇ મોણપરા, કેશુભાઇ નરશીભાઇ મોરવીયાએ આગોતરા જામીન ઉપર છૂટવા રાજકોટ સ્પે. કોર્ટ (સેશન્સ કોર્ટ) માં આગોતરા જામીન અરજી કરેલ હતી.

આ અરજીના કામે બંને પક્ષની દલીલો પોલીસના સોગંદનામા તથા મુળ ફરીયાદી  તરફે રજૂ થયેલ લેખીત વાંધાઓ તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ તથા કેસના સંજોગો વગેરે બાબતે ધ્યાને લઇ રાજકોટના સ્પે. કોર્ટના જજશ્રીએ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલ છે.

આ કેસમાં સરકારશ્રી પક્ષે સરકારી વકીલ શ્રી પ્રશાંતભાઇ પટેલ રોકાયેલ હતા તથા મુળ ફરીયાદી ઇજા પામનાર રમેશભાઇ રાણાભાઇ મકવાણા વતી રાજકોટના વકીલ શ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા, હનીફ કંટારીયા, દીપકભાઇ ભાટીયા વિગેરે રોકાયેલ હતાં.

(12:17 pm IST)