Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

તળાજા તાલુકા પંચાયતમાં ભાંગફોડ કરવા માટે કમળની કારી ન ફાવી, કોંગ્રેસ અકબંધ દ્વારકાના પ્રવાસે

મોડી રાત સુધી ભાજપના આગવાનોએ પ્રલોભનો આપ્યા હતાઃ કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા ગોહીલઃ સભ્યોના મોબાઇલ લઇ લેવાયા

ભાવનગર, તા., ૧૯: તળાજા તાલુકા પંચાયતમાં સતા કબ્જે કરવા માટે ભાજપના મોવડી મંડળએ સ્થાનીકોને આપેલા છુટાદોર અને પ્રલોભનને લઇ કોંગ્રેસના સભ્યો તોડવા માટે ગઇકાલ મોડી રાત સુધી જ્ઞાતિવાદ અને પ્રલોભનનું રાજકારણ ખેલાયું. તેમાં કમળની કારી ફાવી નહી. કોંગ્રેસના આગેવાનોએ આગમતેતીના ભાગરૂપે ૧૬ સભ્યોને સાથે રાખી મોબાઇલ બંધ કરાવી દ્વારકાધીશના ચરણોમાં પહોંચી ગયા છે. આજે બપોરના બે વાગ્યા સુધીમાં પ્રમુખ-ઉપપ્રમુખના પદ માટે ફોર્મ ભરવાની અવધી છે.

છેલ્લા દોઢ દાયકાથી તળાજા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હતુ, પરંતુ ગત ચૂંટણીમાં ભાજપના કાંગરા ખરવા લાગ્યા. ૩ર સભ્યોમાંથી ૧૭ સભ્યો કોંગ્રેસના ચૂંટાઇ આવ્યા. કોંગ્રેસના શાસનકર્તાઓની પ્રથમ ટર્મ પૂર્ણ થઇ રહી છે. નવા પ્રમુખ ઉપપ્રમુખ માટે મંગળવારના સવારે ૧૧ થી ર વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. બુધવારે સવારે ૧૧ વાગ્યે અધિક કલેકટર ડો. પટેલના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાશે.

તળાજા માર્કેટીંગ યાર્ડમાં ભાજપની મળેલ બેઠકમાં મોવડીઓએ ખુલ્લુ પ્રલોભન આપ્યુ હતુ કે જે ભાજપનો સભ્ય કોંગ્રેસના  ત્રણ તોડી લાવે તેમને પ્રમુખનો તાજ પહેરાવી દઇશું. જેને લઇને પ્રમુખ પદ મેળવવા ઇચ્છતા સભ્યોએ કોંગ્રેસના સભ્યો તોડવા માટે એડી ચોટીનું જોર લગાવી દેવું. શુધ્ધ રાજકારણના બદલે નાણાબળ અને બાહુબળનું રાજકારણ ગઇકાલથી વધુ તેજ થઇ ગયું હતું. જે મોડી રાત સુધી ચાલ્યું. કોંગ્રેસ સંગઠન અધ્યક્ષ દિગુભા ગોહીલના શબ્દો હતા કે પાંચ લાખ રૂપીયા સુધીનુ઼ પ્રલોભન આપવામાં આવ્યું હતું.  ભાજપના આગેવાનોને દોડાવી નાખ્યા. બાદમાં ૧૭ પૈકીના ગજુભા સરવૈયાને બાદ કરતા તમામ સભ્યોને સોમનાથના દર્શન કરાવી રાત્રે દ્વારકાધીશના ચરણોમાં લઇ જવામાં આવ્યા છે.સુત્રોએ ઉમેર્યુ હતું કે, ભાજપ-કોંગ્રેસના સભ્યોનો સંપર્ક ન કરી શકે તે માટે મોબાઇલ ફોન પણ લઇ લેવામાં આવ્યા હતા. પાર્ટીના પીઢ નેતા હનુભાઇ પરમાર સંપર્કમાં હતા.

દિગુભા ગોહીલએ ઉમેર્યુ હતું કે પ્રમુખ-ઉપપ્રમુખના ફોર્મ ભરવા માટેના ટેકેદાર દરખાસ્ત કરનારની વ્યવસ્થા ગોઠવી છે. જે વિધી મંગળવારે સમય મર્યાદામાં પુર્ણ કરવામાં આવશે.

પ્રમુખના નામને લઇ કોંગ્રેસમાં હજુ ગુંચવણ

કોણ પ્રમુખ ઉપપ્રમુખ બનશે ? પાર્ટીનો શું આદેશ છે? તેવા સવાલમાં કોંગ્રેસના જવાબદારોએ જણાવ્યું હતું કે હજુ તે નકકી કરવામાં આવ્યુ નથી કાલે બપોર સુધીમાં નકકી થઇ જશે. જ્ઞાતીલક્ષી રાજકારણ રમવુ પડે તો કોળી જ્ઞાતિના  સભ્યને પદનો તાજ પહેરાવવામાં આવે.

પાર્ટી વિરૂધ્ધ પ્રવૃતિ કરનાર સસ્પેન્ડ થઇ શકે છે

કોંગ્રેસના આગેવાન હનુભાઇ પરમારએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યોને તોડવાનો હીન પ્રયાસ થયો હતો. પ્રલોભનો આપવામાં આવ્યા પરંતુ પાર્ટી વિરૂધ્ધ પ્રવૃતી કરનાર સસ્પેન્ડ થઇ શકે છે. એટલે કે સભ્યપદ પણ ગુમાવી શકે છે.બુધવારના રોજ તળાજા, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે ભાજપ સતા આંચકવાના મુડમાં છે કોંગ્રસ સતા ટકાવી રાખવા સભ્યોને દ્વારકાના પ્રવાસે લઇ ગયા છે. તેમ છતા ચૂંટણી માટેના સભાખંડમાં બળાબળના પારખામાંં કોણ બળુકુ તે મપાઇ જશે.

(12:16 pm IST)