Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જુનાગઢમાં કુરીયર કર્મીનાં સ્‍વાંગમાં વૃધ્‍ધાનાં સોનાની માળાની ચીલઝડપ

ગળામાંથી ઝુટ મારતા વૃધ્‍ધાને ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯ : જુનાગઢમાં દિન દહાડે કુરીયર કર્મીના સ્‍વિાંગમાં એક શખ્‍સ વૃધ્‍ધાના ગળામાંથી સોનાની માળાની ચીલઝડપ કરીને નાસી જતાં સનસની મચી ગઇ હતી.

જુનાગઢમાં લાલબાગ પાછળ આવેલ ગીતાનગર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય મધુબેન કાન્‍તીભાઇ વેકરીયા ગઇકાલે બપોરના બે વાગ્‍યે તેમના ઘરે હતા અને પરિવારજનો ઉપરનાં રૂમમાં સુતા હતા.

ત્‍યારે ૩પ થી ૪૦ વર્ષનો થોડો લાંબો એવો સાધારણ શરીરનો એક શખ્‍સ વૃધ્‍ધાના ઘરે આવેલ અને તમારા દિકરા ઘનશ્‍યામભાઇ વેકરીયાનું કુરીયર આવેલ છે તેમ કહયુ હતુ.

આથી મધુબેન કુરીયર લેવા ઘરની બહાર આવતા આ શખસે ડેલીની બહારથી લોખંડની ગ્રીલમાં હાથ નાંખી મધુબેનના ગળામાંથી ઝુટ મારી રૂા.૩૦ હજારની કિંમતની સોનાની માળાની ચીલઝડપ કરી નાસી ગયો હતો.

જેમાં મધુબેન દિવાલ સાથે અથડાતા કપાળના ભાગે ઇજા થઇ હતી.

આ અંગે રાત્રે સી ડીવીઝન પોલીસે વૃધ્‍ધાની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ આર.ડી. ડામોર ચલાવી રહયા છે.

(1:09 pm IST)