Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વંથલીના મેઘપુર ગામના માથાભારે શખ્‍સ સામે પાસાની કાર્યવાહી કરવા માંગણી

સરપંચ સહિતના આગેવાનોની જૂનાગઢ એસપીને રજૂઆત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૯: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મેઘપુર ગામના માથાભારે શખ્‍સ અશ્વિન જમનાદાસ કેલૈયા સામે પાસાની કાર્યવાહી કરવાની માંગણી સાથે ગામના સરપંચ સહિતના આગેવાનોએ જૂનાગઢ એસપીને રજૂઆત કરી હતી.

તાજેતરમાં મેઘપુર ગામે શિવ મંદિરે ધર્મોત્‍સવ પ્રસંગે પ્રસાદના સમયે સેવાભાવી કમલેશભાઈ રસીકભાઈ કેલૈયા ઉપર અશ્વિન  કેલૈયાએ છરી વડે હુમલો કરીને લોહી લોહાણ કરી આ ઈસમ નાસી ગયો હતો. આ શખ્‍સ હુમલો કરવાની તેવળ હોય મેઘપુર ગામના લોકો આ ઈસમના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ગઈકાલે મેઘપુર ગામના સરપંચ જીણાભાઈ મારૂ પૂર્વ સરપંચ ચંદુભાઈ સોંદરવા તેમજ આગેવાનો શિવલાલભાઈ કેલૈયા, કિશોરભાઈ લખલાણી, દિપકભાઈ ડવ,  એ.પી.કેલૈયા અને ભોગ બનનાર કમલેશભાઈ કેલૈયા અને પત્રકાર રાકેશભાઈ લખલાણી સહિતના આગેવાનોએ જૂનાગઢ ખાતે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી હતી.

માથાભારે શખ્‍સ અશ્વિન કેલૈયાની સામે પાસાની કાર્યવાહી કરવાની રજૂઆત અગ્રણીઓએ કરી હતી. જે અંગે જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીએ હકારાત્‍મક વલણ અપનાવી વંથલી પીએસઆઈ બી.જી.બડવાને અશ્વિન સામે કડક કાર્યવાહીની સુચના આપી હતી.

(1:30 pm IST)