Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ખંભાળિયા-ભાટિયામાં ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલાયો ઃ ત્રણ શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૧૯ઃ ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા ચોરી અંગેના બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી પોલીસે નક્કર કાર્યવાહી કરી, સીસીટીવી કેમેરા તેમજ લોકેશન સહિતના અંકોડાઓ મેળવી અને અનેક ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં રીઢા ગુનેગાર સહિતની આ તસ્કર ત્રિપુટીની મુદ્દામાલ સાથે અટકાયત કરી, અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા તથા ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન ચોરી અંગેના વિવિધ બનાવો નોંધાયા હતા. આના અનુસંધાને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ જિલ્લા એલસીબી પોલીસ તથા સીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૃમ તેમજ ચોરીના આસપાસના વિસ્તારોમાં બે ડઝન જેટલા લોકેશન પર રહેલા સીસીટીવી કેમેરાનો ડેટાબેઝ તૈયાર કરી આ ચોરીના બનાવોમાં સંડોવાયેલા શખ્સોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં અવાર-જવર કરતા ચોક્કસ વાહનના નંબર પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગુનાશોધક શાખાના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભારવાડીયા અને બોઘાભાઈ કેસરિયાને મળેલી ચોક્કસ માહિતીના આધારે કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના પાટિયા પાસે ઉભેલા યોગેશ રામશંકર આરંભડીયા (ઉ.વ. ૩૮, રહે. પોરબંદર, મુળ રહે-ભાટીયા),) ઓસમાણ આમદ ઉઠાર (ઉ.વ. ૩૫, રહે. પોરબંદર) અને વિશાલ પ્રવીણભાઈ સામાણી (ઉ.વ. ૨૧, રહે. પોરબંદર) નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા શખ્સોની આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા આ શખ્સો દ્વારા ભાટિયા તેમજ ખંભાળિયામાં કરવામાં આવેલી ત્રણ ચોરીઓની કબુલાત આપી હતી. આ શખ્સો પાસેથી પોલીસે ચાર નંગ ટીવી, એક મોટરસાયકલ, સેટઅપ બોકસ, લોખંડના પાઇપ, ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૃપિયા ૮૫,૪૧૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઝડપાયેલી આ તસ્કર ત્રિપુટી પૈકી યોગેશ આરંભડિયા તથા ઓસમાણ ઉઢાર દ્વારા ગત જાન્યુઆરી માસમાં ખંભાળિયા ટાઉન વિસ્તારમાં એક મકાનમાંથી ઘરફોડ ચોરી, ડિસેમ્બર માસમાં ભાટીયાની કૃષ્ણનગર સોસાયટીમાં ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર ખાતેના એક બંધ મકાનમાં તેમજ ભાટિયાના કૃષ્ણનગર સોસાયટીમાં અન્ય એક બંધ મકાનમાંથી તેલના ડબ્બા અને ચાના પેકેટ વિગેરેની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

આરોપી યોગેશ આરંભડિયા અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું તથા ચોક્કસ મોડેસ ઓપરેન્ડીથી રાત્રિના સમયમાં બંધ મકાનમાં ચોરી કરતો હોવાનું જાહેર થયું છે. આ તમામ શખ્સોની પોલીસે અટકાયત કરી, ચોરીના અન્ય ભેદ ઉકેલવા તથા આ શખ્સો સાથે અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે બાબતમાં પણ વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ.ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એફ.બી. ગગનીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, જયદેવસીંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, હેડ કોન્સ. મસરીભાઈ ભારવાડીયા, બોઘાભાઈ કેશરીયા, ગોવીંદભાઈ કરમુર, વિશ્વદીપસીંહ જાડેજા, અરજણભાઈ આબંલીયા, મેહુલભાઇ રાઠોડ, કેતનભાઈ બડલ, સચીનભાઈ નકુમ, એ.એસ.આઈ. નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસીંહ ચુડાસમા, હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.

(1:07 pm IST)