Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

‘તૌકતે’ વાવાઝોડાનો કહેર :ઉનામાં 10માંથી માત્ર એક જ પેટ્રોલ પંપ ચાલુ, પેટ્રોલ લેવા લાઈનો લાગી

કુલ 10 પેટ્રોલપંપ પૈકી 9 પંપ વાવાઝોડાને કારણે બંધ : ટોળાને વેરવિખેર કરવા પોલીસ બોલાવવી પડી : લોકો કેરબા અને બોટલ ,લઈને પણ પહોંચ્યા :

રાજકોટ: “તૌકતે” વાવાઝોડાએ ગુજરતને ધમરોળી નાંખ્યું છે. રાજ્યમાં વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં ઉનાના કાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે. વાવાઝોડું ચાલ્યા ગયા બાદ પણ મુશ્કેલીઓને ઓછી થવાનું નામ નથી લેતી ઉનામાં 10 પેટ્રોલ પંપો આવેલા છે, જે પૈકી વાવાઝોડાના કારણે 9 પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે. જ્યારે એક પેટ્રોલ પંપ ખુલ્લો હોવાથી લોકો અહીં પેટ્રોલ ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે.

ઉનામાં માત્ર એક જ પેટ્રોલ પંપ ખુલ્લો હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. ગાડીઓનો કાફલો ખડકાયા બાદ લોકો બોટલો લઈને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવીને ઉભા રહી ગયા છે. કોરોનાને ભૂલીને લોકો પેટ્રોલ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. પેટ્રોલ ખરીદવા માટે આવેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નહતું. આખરે ટોળા વેર-વિખેર કરવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

 

અહીં લોકો પોતાના વાહનમાં તો પેટ્રોલ પૂરાવી જ રહ્યાં હતા, પરંતુ આ સાથે જ કેરબા અને બોટલ લઈને આવ્યા હતા. જેમાં પણ પેટ્રોલ પૂરાવવાનો આગ્રહ રાખતા પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે માથાકૂટ થતી હતી. એક તબક્કે પેટ્રોલ પંપ ઉપર લોકોની જંગી ભીડ એકઠી થઈ જતાં પોલીસ દોડી ગઈ હતી અને લોકોને વ્યવસ્થિત લાઈનમાં ઉભા રખાવ્યા હતા.

 સૌરાષ્ટ્રના ઉના શહેરમાં વાવાઝોડાએ વધારે વિનાશ વેર્યો છે. અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ જવાના કારણે અને ભારે વરસાદના પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. આ સિવાય સેંકડો વીજળીના થાંભલા તૂટી જવાના કારણે ડઝન જેટલા ગામોમાં અંધારપટ્ટ છવાયું છે. જ્યારે મોબાઈલ ટાવર ધ્વસ્થ થઈ જવાના કારણે ઉનાના આસપાસના ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે

(8:24 pm IST)