Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અમરેલી જીલ્લામાં વાવાઝોડાથી મોટો ફટકો : બાળકનું મોત

કેરીના પાકનો સોથ બોલી ગયો : કાચા મકાનો, પતરા, નળીયા, વિજપોલમાં ભારે નુકશાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: એક તરફથી કોરોનાએ કાઠીયાવાડને અધમુવુ કરી નાખ્યું હતુ અને છેલ્લા અઢી માસમાં જિલ્લામાં સાડાપાંચ કરતા વધારે માનવીઓના કોઇના કોઇ પ્રકારે મોત નિપજ્યા છે તેમા પણ બાકી રહ્યુ હોય તેમ વાવાઝોડાએ મોટો ફટકો માયો છે.

જિલ્લાભરના મોટાભાગના ગામો સંપર્ક વિહોણા રહ્યા હતા આખો દિવસ રસ્તાઓ સાફ કરવાની કામગીરી ચાલી હતી કારણ કે સૌથી પહેલા મહત્વનું કામ માર્ગો સાફ કરવાનું છે તે તંત્ર કરી રહ્યુ છે. આ કામ પુરૂ થયા પછી વિજપુરવઠો ચાલુ કરવાની કામગીરી થશે કારણ કે જિલ્લામાં અનેક જગ્યાએ વિજપોલ પડી ગયો છે ૫૦ થી વધારે ૬૬ કેવી ફોલ્ટમાં મુકાયા છે. પીજીવીસીએલની ટીમો અવિરત દોડી રહી છે.

એસટી રૂટ સંપૂર્ણ બંધ છે. ઠેર ઠેર માર્ગો ઉપર વૃક્ષો તુટી પડવાને કારણે જિલ્લાભરમાં તમામ માર્ગો બંધ છે. તથા કેરીના પાકનો સોથ બોલી ગયો છે. આ ઉપરાંત જિલ્લામાં કાચા મકાનો, પતરા, નળીયા, સેકડો વીજપોલ મળી અબજોનુ નુકશાન થયું હોવાનો અંદાજ મુકાઇ રહ્યો છે.

અમેરલી જિલ્લાના ગોલ્ડન કોરીડોર ગણાતા રાજુલા-જાફરાબાદના તમામ મોટા ઉદ્યોગોને અબજોનો ફટકો પડ્યો છે. અહીંના બાગ બગીચા અને ખેતી પાકો તબાહ થઇ ગયા છે. તૌકત વાવાઝોડાએ રાજુલા -જાફરાબાદમાં ભયંકર તબાહી મચાવી છે.

રાજુલમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતા અને કેસરીનંદન હનુમાનની ગૌશાળાના શેડ ઉડી ગયા હતા તથા રાજુલાથી હિંડોરણા રોડ ઉપરની તમામ પીપર તુટી પડતા માર્ગ બંધ થઇ ગયો હતો અને ઠેર ઠેર મોટી તારાજી જોવા મળી હતી.

અતુલ શો રૂમના કાચ તુટ્યા હતા તથા એક ટેલર ઉંધુ વળી ગયું હતુ. બાલકૃષ્ણ સ્કૂલનો ગેઇટને નુકશાન થયું હતું. રાજુલાની હોટલ વૃંદાવન તથા અન્ય એક રેસ્ટોરન્ટ સહિત અનેક સ્થળો ઉપર નુકસાની થઇ છે ભારે પવનથી પાંચ પેટ્રોલ પંપને મોટુ નુકસાન થયું છે તથા તવકકલનગર સહિતના વિસ્તારોમાં મકાનો જમીનદોસ્ત થઇ ગયા છે.

ધારીના વિખ્યાત લીયોનીયા રિસોર્ટ વાળા શ્રી હિતેશભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, ધારીની કૃષિ શાળા પાસે એક મકાનની દીવાલ પડતા એક પાંચ વર્ષના બાળકનું દિવાલમાં દબાઇ જતા મોત નિપજ્યું હતું.

(1:07 pm IST)