Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ઉનાઃ વાવાઝોડામાં ઘર તૂટી જતા વિધવા અને ૨ પુત્રો આખી રાત ખૂણામાં ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યાં

એક રૂમ ધરાશાયીઃ બીજા રૂમના પતરા ઉડી ગયાઃ અર્ધા તૂટેલા સ્લેબ નીચે ભારે પવન-વરસાદમાં ત્રણેયએ જીવ બચાવ્યોઃ વિધવા પાણીપુરીની રેકડી ચલાવી ગુજરાન ચલાવે છે

ઉના, તા. ૧૯ :. વિદ્યુતનગર પાસે હુડકોમાં ગઈકાલે વાવાઝોડા અને વરસાદ દરમિયાન મકાન પડી જતા આ મકાનમાં રહેતા વિધવા બહેન મનીષાબેન દીપકગીરી અને તેના બે પુત્રો ફસાઈ ગયેલ અને બહાર ભારે પવન અને વરસાદમાં બહાર નીકળી શકે તેમ ન હોય મકાનના અડધા તૂટેલા સ્લેબ નીચે ત્રણેય આખી રાત ભૂખ્યા-તરસ્યા રહીને જીવ બચાવ્યો હતો.

વિદ્યુતનગર હુડકોમાં રહેતા વિધવા મનીષાબેન દીપકગીરી તેના ૨ પુત્રો સાથે ગઈકાલે વાવાઝોડા દરમિયાન ઘરમાં હતા અને ભારે પવન-વરસાદમાં તેનુ મકાન તૂટી પડતા એક રૂમ આખો ધરાશાયી થયેલ અને બીજા રૂમના પતરા ઉડી ગયેલ અને ત્રણેયએ અડધા તુટેલા સ્લેબ નીચે ખૂણામાં આશરો લઈને આખી રાત હેમખેમ વિતાવી હતી.

વિધવા મનીષાબેનનું વાવાઝોડામાં ઘર છીનવાઈ ગયુ છે અને ઘરમાં ગાદલા-ગોદડા, અનાજ બધુ પલળી જતા મોટી નુકસાની થઈ છે. મનીષાબેન તેના પતિના અવસાન બાદ પાણીપુરીની રેંકડી ચલાવીને ગુજરાન ચલાવે છે. મકાન પડી જતા આજીવિકાનું સાધન રેકડી પણ ભાંગી ગયેલ છે અને નિરાધાર બની ગયેલ છે.

(11:37 am IST)