Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જુનાગઢમાં વર્તમાન પરિસ્થિતિમાં સ્વનિર્ભર શાળાઓ માટેની ફી અંગે થતી ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા જી.પી.કાઠી

જુનાગઢ તા. ૧૯ : તાજેતરમાં કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં દરેક વ્યકિત પરેશાન છે આ મહામારી ચેપી હોવાથી અન્ય લોકોમાં સંક્રમિત ન થાય તે માટે શાળાઓ પણ બંધ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકો બધા જ ખૂબ મૂશ્કેલી અનુભવી રહ્યા છે. અમે ગુજરાત રાજયની તમામ શાળાઓ, વિદ્યાર્થીઓને ધીરજપૂર્વક અત્યંત કપરા સમયમાં અડીખમ રહી ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છીએ ત્યારે અમે વિદ્યાર્થીઓ અને વાલીઓની આ પરિસ્થિતિમાં તેમની સાથે છીએ. તાજેતરમાં શાળાઓએ ફી લેવી કે ન લેવી શાળાઓએ ફી માફી આપવી, આવી ઘણી અયોગ્ય બાબતો જે અમુક લોકો તથા સંગઠન દ્વારા પેપરમાં મીડિયામાં વહેતી થઇ છે. વાસ્તવિકતા એ છે કે, જે આ સ્થિતિમાં જે વાલીઓને આર્થિક સકળામણ છે તેમના માટે શાળાઓના ફી માટેના કોઇ રજુઆત ના હોય પરંતુ આ લોકડાઉનમાં જે વાલીઓ આર્થિક રીતે સક્ષમ છે. એ સૌ વાલીઓ શાળાઓની પરિસ્થિતિ પણ વિચારે કે જે શાળા અત્યારે શિક્ષકોના પગાર, મકાન ભાડુ કે મકાન લોન કે અન્ય ખર્ચા નીભાવી રહી છે. સક્ષમ વાલીઓ એમના સંતાનોની ફી ભરી શાળાને મદદરૂપ થાય તેવી પણ અમારી લાગણી છે. સ્વનિર્ભર શાળાઓ વિદ્યાર્થીની ફી દ્વારા એકઠા થતા નાણાથી ચાલતી હોય છે. શાળાઓ માટે ફી નિયંત્રણ કમીટી આવી પછી દર વર્ષના અને રીઝર્વ ફંડ પણ મંજુર કરવામાં આવતું નથી આરટીઇના વિદ્યાર્થીઓના ફી પણ અત્યંત મર્યાદિત રકમમાં શાળાને આપવામાં આવે છે. આવા સંજોગોમાં શાળાઓને આવક ન થાય તો તેમના સ્ટાફને કેવી રીતે નિભાવી શકે ? લોન અને ભાડુ કેવી રીતે ભરી શકે? શાળાઓ સ્વનિર્ભર છે અને પોતાના જોખમે અને સખત મહેનતથી શિક્ષણ કાર્ય કરી છે ત્યારે ઘણા હિત શત્રુઓ શાળાઓને અસમાજિક શબ્દોથી સંબોધે છે. જેથી શિક્ષણ જગતની તથા શિક્ષકોની બદનક્ષી થાય છે. સમગ્ર શિક્ષણ સમાજની ગરીમા જોખમમાં મુકી દેતા સમાજના બેજવાબદાર વ્યકિતઓએ પોતાના વાણી અનેશબ્દોમાં મર્યાદા રાખવાની ખુબ જરૂરી છે અંગત સ્વાર્થ અને સસ્તી પ્રસિદ્ધ માટે આવુ અસામાજિક વર્તન બાળકોના ભવિષ્યને અસંસ્કારી અને ધુંધળુ બનાવશે તેમ જુનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જી.પી.કાઠીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

(11:29 am IST)