Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

જૂનાગઢમાં ફાઇનાન્સ કંપનીના રિકવરીમેનની હત્યાઃ ભાઇ ગંભીર

લોનની રીકવરી કરવા ગયા બાદ માથાકુટ થતા મામલો હત્યા સુધી પહોંચ્યો

જુનાગઢઃ જુનાગઢ તીરુપતિ સોસાયટી વિસ્તારમાં ફાયનાન્સ કંપનીના રીકવરીમેન લોહાણા યુવાનની લોનની રીકવરીના ડખ્ખામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ  પોલીસમાં નોંધાયો હતો. તેમજ મૃતક યુવાનના ભાઇને પણ ગંભીર ઇજા પહોંચી હોય રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે છ હત્યારાઓની ઓળખ મેળવવા શોધખોળ કરી હતી.

જુનાગઢમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે આવારા તત્વો બેફામ બન્યા છે.  સમયાંતરે  મારામારી-હત્યાનો પ્રયાસ અને લૂટ ચોરી સહીતના બનાવો પોલીસમાં નોંધાતા હોય છે.

જલારામ સોસાયટીમાં રહેતો અને ફાયનાન્સ કંપનીમા રીકવરીમેન  તરીકે નોકરી કરતો હાર્દિક વિઠલાણી નામનો લોહાણા યુવાન રાત્રીના તિરૂપતી સોસાયટીમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથીયારના ઘા ઝીકી હત્યા કરી નાસી છુટયા હતા.  તેમજ હાર્દિકને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઇ અશોક ઉપર પણ ખુની હુમલો કરવામાં આવતા ગંભીર ઇજા થવાથી રાજકોટ હોસ્પિટલમા ખસેડાયો હતો.

બનાવ અંગેની જાણ થતા  પોલીસ દોડી ગઇ હતી અને તપાસમા મૃતક હાર્દિક વિઠલાણથી બપોરના હત્યારાઓના ઘરે લોનની રીકવરી કરવા ગયો હતો ત્યારે માથાકુટ થઇ હતી અને મામલો હત્યા સુધી પહોચ્યો હતો.  પોલીસે  તપાસમાં હત્યારાઓ રવિ સંજય લહેરુ સહીત છ શખ્સો હોવાનુ ખુલતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી.

(11:52 am IST)