Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સૌરાષ્ટ્રમાં હિટવેવઃ કચ્છમાં ''લૂં'' લાગવાથી ભિક્ષુકનું મોત

મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર થઇ જતા લોકો ત્રાહિમામ

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવ યથાવત છે અને કચ્છમાં ''લું'' લાગવાથી ભિક્ષુકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર થઇ જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

ભુજ

ભુજઃ રાપર તાલુકાના આડેસર નજીક અજ્ઞાત ભિક્ષુકનું મોત ગરમીથી નીપજતા અત્યાર સુધી કચ્છમાં ગરમીથી થયેલ મૃત્યુઆંક વધીને ૪ થયો છે. મૃતક ભિક્ષુકનું મોત ડીહાઇડ્રેશન નાં કારણે તરસથી નીપજયું હતું તે પી એમ રીપોર્ટમાં તબીબે તારણ આપ્યું છે. કચ્છમાં અત્યાર સુધી ગરમીના કારણે ભચાઉમાં યુવાન, લાકડાયામાં વૃધ્ધા અને ગળપાદર-ગાંધીધામ માં એક વૃધ્ધ સહિત ૪ મોત નીપજી ચુકયા છે. આકાશમાંથી વરસતી અગનવર્ષા ને કારણે કંડલામાં ગઇકાલે ૪૫.૬ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. ભુજ માં ૪૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી કચ્છમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉંચું રહે છે. અને સતત લૂ઼ વાય છે.

જુનાગઢ વિસ્તારમાં હિટવેવ યથાવત

જુનાગઢઃ વિસ્તારમાં હિટવેેવ યથાવત રહેલ છે ગઇકાલે સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો ૪૩ ડિગ્રી ઉપર રહયો હતો.

જુનાગઢમાં ગઇકાલે દર કલાકે તાપમાનમાં વધારો થતો રહેતા છેલ્લે ૪૩.૪ ડિગ્રીએ પારો સ્થિર થયો હતો.

આજે સવારનું તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાતા આજેપણ મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી ઉપર રહેવાની શકયતા છે.

જામનગર

જામનગર શહેરનું તાપમાન ૩૮ મહતમ, ૨૭ લઘુતમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૬ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી છે.

હવામાન ખાતાના સંદેશા અન્વયે આગમચેતીને ધ્યાને લઇ આગામી ૨૪ કલાક દરમ્યાન જામનગર જિલ્લાના તમામ માછીમારોએ દરિયો ન ખેડવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.(૧.૧૧)

 

(12:14 pm IST)