Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કોડીનાર પંથકમાં શીંગોડા ડેમ થકી વહેશે 'વિકાસના વહેણ'

એકમાત્ર જીવાદોરી સમાન જળસ્ત્રોત ઉંડા ઉતારવાનું પાણીદાર કામ પૂરજોશમાં : લોકોના ખીલ્યા ચહેરાઃ ૧૫૦૦૦ ઘનફૂટ કાંપ દૂર થયે વધશે સંગ્રહ : ૧૫૦ ગામોને સીધે સીધો લાભ મળવાની આશા

કોડીનાર, તા. ૧૯ : તાલુકાના સિંચાઈ અને પીવાના પાણી માટે જીવાદોરી સમાન ગીર જંગલની બોર્ડર જામવાળા નજીક આવેલ ત્રિંગોડા કેમમાંથી કેમ શરૂ થયાના ૪૨ વર્ષ બાદ પ્રથમ વખત કાંપ કાઢવાની શરૂઆત થતા પંથકમાં ખુશીની લહેર પ્રસરી છે.

સુજલામ સુફલામ યોજના હેઠળ ડેમો, નદી, તળાવોને ઉંડા ઉતારી પાણી સંગ્રહ વધારવાના ભાગરૂપે શિંગોડા ડેમમાંથી કાઢવાની મંજૂરી મળતા જ કોડીનાર સહિતના ૩ તાલુકાના ૧૫૦ જેટલા ગામડાઓ તેમજ આસપાસના વિસ્તારો અને ગીર જંગલના વન્ય પ્રાણીઓના પાણીના સ્ત્રોતો અને અન્ય તળો ઉંચા આવવાથી સિંચાઈ અને પાણીની સમસ્યા હલ થવાની આશા સૌ સેવી રહ્યા છે.

જળસંચય અભિયાનના ભાગરૂપે અત્રે નોંધનીય છે કે શિંગોડા ડેમમાં ૨ જેસીબી મશીન અને જરૂરીયાત મુજબના ટ્રેકટરોથી કાપ કાઢવામાં આવી રહ્યો છે. ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા ફળદ્રુપ કાપ ખેડૂતો પોતાની જમીનમાં ઠાલવી સમૃદ્ધ કરી રહ્યા છે.

દરમિયાન શીંગોડા સિંચાઈ વિભાગના ઈજનેર અરવિંદ કલસારીયાના જણાવ્યા મુજબ ડેમમાં હાલ ૨૫૦ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાણીથી ખાલી થયેલા વિસ્તારમાંથી હાલ કાંપ કાઢવામાં આવી રહ્યો છે અને ૩૧ મે સુધી કાંપ કાઢવાની કામગીરી કાર્યરત રહેશે.

કહેવાય છે કે કોડીનાર વિસ્તારની હજુ નર્મદાનું પાણી મળ્યુ નથી ત્યારે તાલુકા માટે જીવાદોરી સમાન એકમાત્ર શીંગોડા ડેમમાંથી ૪૨ વર્ષના લાંબા ગાળે કાપ દૂર થઈ રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં પાણીનો સંગ્રહ થતા જ વિસ્તાર વધુ સમૃદ્ધ થશે.

દરમિયાન પંથકના જાગૃત નાગરીકોમાં એવી પણ ચર્ચા ચોતરફ થઈ રહી છે કે પંથકના જીવાદોરી સમાન શિંગોડા ડેમને ઉંડો ઉતારી પાણીની સમસ્યા હલ કરવાના સારા કામમાં કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ આડખીલરૂપ બની રહ્યા છે તો વળી ઘણા લોકો એવા પણ તીખા પ્રહારો પણ કરવા લાગ્યા છે કે શીંગોડા ડેમ મુદ્દે પ્રશ્નો ઉઠાવતા પ્રકૃતિ પ્રેમીઓને ગીર જંગલના અન્ય વિસ્તારોમાં બિનકાયદેસર રીતે ધમધમતી ખાણો કેમ નજરે ચડતી નથી? ખરેખર જયા પ્રશ્નો ઉઠાવવા જોઈએ ત્યાં કેમ કોઈ પ્રશ્નો ઉઠાવતા નથી??(૩૭.૯)

(12:11 pm IST)