Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રાજય સરકારના જળ અભિયાનથી જળસંગ્રહ ક્ષમતા વધશેઃ આર.સી.ફળદુ

સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરાયુ

અમરેલી, તા.૧૯, કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, તા.૧૭મીએ રાજુલા તાલુકાના વાવેરા, મોટા આગરીયા, કોટડી, ખાંભલીયા તેમજ કુંભારીયા ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી  આર.સી. ફળદુએ કહ્યું કે, રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. વરસાદી પાણીનો જેટલો સંગ્રહ થાય તે માટે સમયનો સધ્પયોગ કરીને જળસંચયના કાર્યોને સફળ બનાવવામાં સહયોગી થઇએ તે દ્યણું ઉપયોગી સામાજિક કાર્ય બની રહેશે.

મંત્રીશ્રીએ, ધાર્મિક-સામાજિક સંસ્થા તેમજ વ્યકિતગત દાતાશ્રીઓના સહકારની નોંધ લઇ આભારની લાગણી વ્યકત કરી હતી. તેમજ જળસંચયના કાર્યોને પૂર્ણ કરવા આમ જનતાને અનુરોધ પણ કર્યો હતો.

રાજુલા-જાફરાબાદના પૂર્વ ધારાસભ્યશ્રી હિરાભાઇ સોલંકીએ કહ્યું કે, રાજય સરકાર દ્વારા જળસંગ્રહ શકિતમાં વધારો કરવા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હયાત તળાવો-જળાશયો-નદી ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં થઇ રહેલી આ કામગીરીથી જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. જેનાથી અમરેલી જિલ્લાની ખેત ઉપજમાં પણ ફાયદો થશે.

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ, સુજલામ સુફલામ જળ અભિયાન ની વિગતે વાત કરી વધુમાં વધુ જળસંગ્રહ શકિતમાં વધારો કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા અપીલ કરી હતી.

         આ પ્રસંગે માર્કેટ યાર્ડ-રાજુલાના ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલ, રવુભાઇ ખુમાણ,  પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મહેશભાઇ કસવાળા, મદદનીશ ખેતી નિયામકશ્રી નારોલા સહિતના અધિકારી-પદાધિકારી-મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 pm IST)