Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગોંડલમાં દબાણ હટાવ કામગીરી બાદ પણ ટ્રાફિક સમસ્યા યથાવત

ગોંડલ, તા.૧૯: ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી સેન્ટ્રલ સિનેમા ચોક, માંડવી ચોક, નાની-મોટી બજાર, ગુંદાળા દરવાજા, બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાએ શહેરીજનોને હેરાન પરેશાન કરી મુકયા છે, પોલીસ અને નગરપાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ શોધી શકયું નથી.

મુખ્ય બજારો અને માર્ગો સિમેન્ટ રોડ બન્યા હોવા છતાં ટુવિલર અને પાર્કિંગ માટે રોડની બંને બાજુ સફેદ કે પીળા પટ્ટા કરવાનો નગરપાલિકા તંત્રનો વાયદો ભુલાઈ ગયો છે, સિમેન્ટ રોડ ચકાચક બન્યા છે પણ આડેધડ પાર્ક કરાતા ટુ-વ્હીલરો ને ફૂટપાથ નજીક પાર્ક કરવા પટ્ટા ઓ દોરવાનું મુહૂર્ત આવતું જ નથી, સાઢીયાપુલ ઓર બ્રિજનું કાર્ય મહિનાઓથી મંથર ગતિએ ચાલતું હોય, જેતપુર રોડ ના ટ્રાફિકનું ભારણ ગુંદાળા રોડ ઉપર વધ્યું હોય, બસ સ્ટેન્ડ પાસે સિમેન્ટ રોડ બની રહ્યો હોય એસ.ટી.બસ સહિતનો ટ્રાફિક અવરોધાયો છે.

નગરપાલિકા તંત્રે અતિ ઉત્સાહમાં અનેક માર્ગો સીમેન્ટ રોડ બનાવવાના ખોદી નાખ્યા છે પરંતુ યુદ્ઘના ધોરણે માર્ગોનું કામ પૂર્ણ કરવામાં તંત્ર નબળું પુરવાર થયું છે, ઉમ્વાળા ફાટક રોડ છેલ્લા બે માસથી ખોડેલો પડ્યો છે, સિમેન્ટથી મઢવાનું કામ અત્યંત ધીમી ગતિથી ચાલતું હોય રાહદારીઓ ત્રાહીમામ બન્યા છે, નગરપાલિકા એ ફુરપાથ પરના દબાણો દૂર કરવા કવાયત હાથ ધરી છે પરંતુ ટ્રાફિકને નળતા દબાણોને બદલે દુકાનો ઉપર લાગેલા બોર્ડ કે કીમતી લાઇટ બોર્ડને દબાણ સમજી તંત્ર બોર્ડ હટાવવા ધ્યાન આપી રહ્યું છે, લોકો કે રાહદારીને ફૂટપાથ કે માર્ગો ઉપરના દબાણ વધી રહ્યાનું કદાચ તંત્રને સમજાતું નથી, ટેલિફોન એકસચેન્જ ઓફિસ જેવા મહત્વના માર્ગો પર સરાજાહેર દબાણ તંત્રે દેખાતું નથી, આ માર્ગ અંદાજે ૩૦ ફૂટ પહોળાઈ ધરાવતો હોવા છતાં અહીં ફુરપાથ ઉપર જ નહીં રોડ ઉપર કેબિનો ખડકાઇ છે, અગાઉ પણ પાલિકાતંત્ર દ્વારા દબાણ હટાવો ના પારસ કરાયા હતા, થોડા દિવસો દબાણો અદ્રશ્ય રહ્યા બાદ ફરી જૈસે થી સ્થિતિ રહેવા પામતી હોય કાયમી ધોરણે દબાણો દૂર કરાય તેવી નક્કર કામગીરી થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે, શહેરની સ્વેચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી ટ્રાફિક અને દબાણના માથાના દુઃખાવા રૂપ પ્રશ્ન અંગે તંત્રને સહકાર આપે તેવું સુજ્ઞલોકો જણાવી રહ્યાં છે.

(11:56 am IST)