Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સોમનાથ સંસ્કૃત યુનિ. વેરાવળ ખાતે ૪૯માં ત્રિદિવસીય પ્રાચ્ય વિદ્યા સંમેલનનો પ્રારંભ

શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિઃ ૨૧ સત્રોમાં ૮૦૦ જેટલા વિદ્વાનો શોધપત્ર રજુ કરશે

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૯ :. બધા દર્દોની દવા, બધી ભાષાઓની માતા સંસ્કૃત સહિત પારસી, પાકૃત, ઈરાનીયન, ઈસ્લામિક, અરેબિક, પાર્સીયન, દ્રવિડ પરિવારની દક્ષિણ ભારતીય, ઉત્તર ભારતીય તમામ પ્રાચ્ય ભાષાઓની સેવા કરવી અને તેનુ ઉત્થાન કરવું એ અનેરા પૂણ્યનું કામ છે. તેમ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું.

સોમનાથ સંસ્કૃત યુનિ. વેરાવળ ખાતે ૪૯માં ત્રિદિવસીય પ્રાચ્ય વિદ્યા સંમેલનનો સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રીએ વધુમાં કહ્યુ કે, પ્રાચ્ય ભાષાઓમાં એ તાકાત છે જે સામાજીક સમરસતા-સંસ્કારીતા પ્રસ્થાપિત કરી શકે. આથી જ પ્રાચ્ય ભાષાના વિદ્વાનો રાષ્ટ્ર નિર્માણ સાથે સામાજીક સમરસતા પ્રસ્થાપિત કરવા તેમનુ યોગદાન આપે તે આજના સમયની આવશ્યકતા છે.

શિક્ષણમંત્રીશ્રીએ ઉપસ્થિત વિદ્વાનોને આ સંમેલનના માધ્યમથી સંસ્કૃત ભાષાના વિકાસ માટે શું કરી શકાય છે ? તે અંગે અહેવાલ-સૂચનો રજુ કરવા જણાવી રાજ્ય સરકાર તેના ઉપર કાર્યવાહી કરશે તેમ જણાવ્યુ હતુ. ભાષા કોઈ જાતી કે ધર્મની નથી હોતી તેમ જણાવી શ્રી ચુડાસમાએ સમગ્ર દેશમાંથી આવેલા વિદ્વાનોને ગુજરાત સરકાર વતી આવકાર્યા હતા.

સોમનાથનાં આંગણે દેશભરના વિદ્વાનોનું સ્વાગત કરતા અનેરો ભાવ વ્યકત કરી સંમેલનના ઉદઘાટક કેશુભાઈ પટેલે પ્રાચ્ય ભાષાઓને લોકાભીમુખ બનાવવા અનુરોધ કરી સોમનાથ સંસ્કૃત યુનિ. સ્થાપના અંગે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલ સંકલ્પના સંસ્મરણોને યાદ કર્યા હતા.

ત્રિદિવસીય પ્રાચ્ય વિદ્યા સંમેલનમાં ઉપસ્થિત એક હજારથી વધુ વિદ્વાનો દ્વારા ૨૧ સત્રોના માધ્યમથી ૮૦૦ જેટલા શોધપત્રો રજુ કરાશે. આ પ્રસંગે પ્રજ્ઞાપીયુષમ, વૈયાકરન સિદ્ધાંત કૌમુદી (પ્રો. અર્કનાથ ચૌધરી), રામાયણ કી રમણીયતા (પ્રો. અર્ચના દુબે), વાકયાર્થજ્યોતિ, કૈવલ્ય દિપીકા, (જાનકીશરણ આચાર્ય) અને ભીષ્મ ચરીતાર્થ એક સમીક્ષાત્મક અધ્યયન (ડો. કાર્તિક પંડયા)ના પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું.

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. અમદાવાદના કુલપતિ ડો. પંકજ જાનીએ સંસ્કૃત શાસ્ત્રો, વાસ્તુ શાસ્ત્ર સહિતના આપણા શાસ્ત્રોમાં રહેલી વાતો આજના વાતાવરણમાં કેટલી ઉપયોગી છે, ફળદાયી છે ? તેનુ ગહન અધ્યયન કરી યુવા સંશોધનકારોને સમાજ સમક્ષ મુકવા આહવાન કર્યુ હતું.

૪૯માં સંમેલનના અધ્યક્ષશ્રી પ્રો. ચંદ્રકાંત શુકલ, સંમેલનના સ્થાયી સચિવ પ્રો. સરોજા ભાટે, પદ્મશ્રી રમાકાંત શુકલ સહિત વિવિધ પ્રાચ્ય ભાષાના વિદ્વાનોએ પ્રાચ્ય ભાષાઓમાં રહેલા મૂળ તત્વોને ઉજાગર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ અને સોમનાથ સંસ્કૃત યુનિ.ના કુલપતિ પ્રો. અર્કનાથ ચૌધરીએ યુવાનોને પ્રાચ્ય ભાષાના ઉત્થાનમાં સહયોગથી થવા અનુરોધ કર્યો હતો. સંમેલનના પ્રારંભે ડો. દેવેન્દ્ર પાંડેએ સ્વાગત પ્રવચન, આભારદર્શન કુલસચિવ મહેન્દ્ર દવેએ અને કાર્યક્રમનું સંચાલન જાનકીશરણ આચાર્યએ કર્યુ હતું.

આ સંમેલનમાં કલકતાથી સહભાગી થયેલા માનવ સંશોધન વિભાગના રિસર્ચ ફેલો જયદેવ એ ગૌડીય વૈષ્ણવજન ઉપર પોતાનું શોધપત્ર રજુ કર્યુ હતું. જેમાં જેની પાસે ભકિત હોય તેનુ વૈષ્ણવજન તરીકે રજુ કર્યા હતા. મગધ યુનિ. બિહારથી આવેલા પ્રો. રામપ્રવેશ કુમારે આ સંમેલનથી પ્રાચ્ય ભાષાઓના વિકાસને પ્રેરણા મળશે તેમ જણાવ્યુ હતંુ. વેરાવળ મહિલા કોલેજના પ્રો. અરવિંદ નંદાણીયાએ પણ કાલીદાસ કે કાવ્યને ઋષિ સંસ્કૃત પર શોધપત્ર રજુ કર્યુ હતું. (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:55 am IST)