Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

હડમતાળા જીઆઇડીસી પ્રદુષણ મુદ્દે ઉપવાસ આંદોલનને બીજો દિ': કોટડા સાંગાણીમાં મૌન રેલી-આવેદન પાઠવાયું

ગેસ ગળતરની ઘટનામાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતને દોઢ માસ વિતવા છતા પણ ન્યાય નહિ મળતા ભભૂકયો રોષ : આજે જો યોગ્ય નિર્ણય નહિ આવે તો કાલથી અન્નજળ ત્યાગ કરી વિક્રમસિંહ જાડેજા દ્વારા આમરણાંત ઉપવાસ

કોટડા સાંગાણી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાયેલા લોકો દર્શાય છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

ગોંડલ તા. ૧૯ :.. હડમતાળા જીઆઇડીસીમાં આવેલ ફાર્મા ફેકટરીઓ દ્વારા પ્રદુષણ ફેલાવાના મુદ્ે ઇન્કલાબ વિકાસ દળનાં બેનર હેઠળ કોટડા સાંગાણી મામલતદાર કચેરી સામે શરૂ કરાયેલ અનશન આંદોલન બીજા દિવસમાં પ્રવેશ્યુ છે.

પ્રદુષણ ને લઇને બે દિવસ પ્રતિક અનશન બાદ આવતીકાલે રવિવારથી આમરણાંત અનશન શરૂ થનાર છે. એ પૂર્વે આજે સવારે ૧૧ વાગ્યે સરદાર ચોકમાંથી પ્રદુષણ વિરોધી મૌન રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઇ આવેદન પત્ર પણ પાઠવાયું હતું.

આ અંગે આંદોલનકર્તા ભુણાવાનાં વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જીઆઇડીસીમાં માલવીન અને હોમટેકનો ફાર્મા ફેકટરીઓ દ્વારા છેલ્લા ઘણા વરસોથી પ્રદુષીત પાણી અને ઝેરી ગેસ ફેલાવાઇ રહયો છે. દોઢ માસ પહેલા ગેસ ગળતરની ઘટના સર્જાઇ ત્યારે પ્રદુષણ તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પરંતુ પગલા લેવાને બદલે ઉલ્ટાનું ખોટી પોલીસ ફરીયાદ કરી રજૂઆતને રૃંધવા પ્રયત્ન કરાયો હતો. આખરે પ્રદુષણ સામે લડત આપવા ગાંધી ચિંધ્યા રાહે અનશન આંદોલન શરૂ કરાયુ છે. બે દિવસ પ્રતિક ઉપવાસ બાદ કોઇ ન્યાય નહી મળે તો આવતીકાલથી અન્નજળ ત્યાગ કરી આમરણાંત અનશન શરૂ કરાશે. તેવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઇ છે.

અત્રે નોંધનીય છે કે પ્રતિક ઉપવાસમાં રાજૂભાઇ સખીયા, કોટડાનાં બાબુભાઇ સાવલીયા, મહિપતસિંહ જાડેજા, સહિત હડમતાળાના ગ્રામજનો જોડાયા હતાં.

બીજી તરફ એવી પણ ચર્ચા થઇ રહી છે કે, આંદોલન બાદ મામલતદાર એસ. પી. ચાંદવાણી પણ રજા ઉપર ઉતરી ગયા હોવાથી  મામલો વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાવા લાગ્યા છે.

દરમિયાન વધુમાં જાણવા મળ્યા મુજબ માલ્વીન અને હોમટેકનો ફેકટરીઓના માલીકો દ્વારા નિયમોનું પાલન કરી પ્રદુષણ અંગે પોલ્યુશન વિભાગને નિયમનુસાર રીપોર્ટ કરાતા હોવાનું જણાવી કોઇ પૂર્વાગ્રહ પૂર્વક આંદોલન કરાઇ રહ્યાનો પણ બચાવ કરાયો હતો...!!

(4:14 pm IST)