Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ભુજ : રેમડેસવીર ઈન્જેકશન ન મળતા દર્દીના સગા એ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર બેસીને ધરણા કર્યા : ભુજની સરકારી જનરલ હોસ્પિટલમાં ઈન્જેકશન માટે દર્દીને આઠ-આઠ કલાક રાહ જોવાનો વારો આવ્યો : હજુ સમસ્યા યથાવત

ભૂજ: રાજ્યમાં કોરોના સંક્રમણ વધતુ જઇ રહ્યુ છે ત્યારે કોરોનામાં ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની કચ્છની એક દિવસની મુલાકાત બાદ ભૂજની હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. રેમડેસિવિર ઇન્જેક્શન ના મળતા ભૂજમાં કોરોનાના દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો અને રસ્તા પર બેસીને ધરણા કર્યા હતા.

ભૂજની જનરલ હોસ્પિટલ નજીક રેમડેસિવિર ઇન્જેક્શન ના મળતા કોરોનાના દર્દીના પરિવારજનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી રેમડેસિવિર ઇન્જેક્શનને કારણે લોકોને હાલાકી પડી રહી છે. તંત્રને રજૂઆત પછી પણ યોગ્ય વ્યવસ્થા ના જળવાતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

ભૂજની જનરલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. કોરોનાના દર્દીઓ વધતા હોસ્પિટલમાં બેડ ફુલ થઇ ગયા છે અને કોરોના માટે અત્યંત જરૂરી ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. રેમડેસિવિર ઇન્જેક્શન માટે દર્દીના પરિવારજનોએ 8-8 કલાક સુધી રાહ જોવી પડે છે.

રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર પણ હોસ્પિટલમાં બેડ ખાલી ના હોવાનો સ્વીકાર કરી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,340 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે 110 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એપ્રિલ મહિનાના 18 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાને કારણે 858 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

(7:35 pm IST)