Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ખંભાળીયામાં એક સાથે ૮ અર્થી આવતા સ્‍મશાનમાં લાકડા ખૂટયા

કોરોનાએ કાળોકેર મચાવતા દોડધામઃ તંત્ર અને આગેવાનો મદદે આવ્‍યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૯ :. સ્‍મશાનમાં પાલિકા દ્વારા ઈલેક્‍ટ્રીક સ્‍મશાન તથા ટ્રસ્‍ટ દ્વારા લાકડાથી બાળવાનું સ્‍મશાન બે સગવડ છે તથા ખાટલાની પણ વ્‍યવસ્‍થા છે તથા ટ્રસ્‍ટીઓ દ્વારા રેગ્‍યુલર રીતે લાકડાની પણ વ્‍યવસ્‍થા થાય છે પરંતુ કોરોના મહામારીમાં મૃત્‍યુનુ પ્રમાણ વધી જતા તથા ઈલેક્‍ટ્રીક સ્‍મશાનમાં વેઈટીંગ રહેતા ફરજીયાત લાકડાથી અગ્નિદાહ દેવો પડે તેમા શનિવારે એક સાથે સાત નનામીઓ આવતા લાકડા ઓછા થઈ જતા કટોકટી થાય તેવુ થયુ હતું.

સ્‍મશાનના ટ્રસ્‍ટીશ્રી સુરેશભાઈ ભૂત તથા રાજુભાઈ વ્‍યાસે તાકીદે વ્‍યવસ્‍થાના પ્રયાસો કરતા ૩૦-૩૫ રૂા. મણના રૂા. ૧૦૦ દેતા ન મળે તેવી સ્‍થિતિ થતા વધુ મૃતદેહો આવે તો પરેશાની થાય તેવુ થતા પાલિકા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાને જાણ થતા તેમણે અગ્રણી હિતેન્‍દ્રભાઈ આચાર્ય તથા પાલિકા સદસ્‍ય હિતેશભાઈ ગોકાણી સાથે સંકલન કરીને યુદ્ધના ધોરણે ભાણવડથી એક ટ્રેકટર તથા એક ટ્રક લાકડા મંગાવ્‍યા હતા.

સ્‍મશાનમાં લાકડાની આ સ્‍થિતિ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ તથા સાંસદ પૂનમબેન માડમને જાણ કરાતા તેમણે તુરંત જ જિલ્લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના તથા અધિક કલેકટર કે.એમ. જાનીને જાણ કરતા આ બન્ને અધિકારીઓએ જંગલ ખાતાના અધિકારી શ્રી ધનપાલ સાથે સંકલન કરીને ખંભાળીયા ફોરેસ્‍ટમાંથી લાકડા માટે રાતોરાત વ્‍યવસ્‍થા કરી હતી. ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ સાથે સંકલન કરીને આગેવાન હિતેન્‍દ્રભાઈ આચાર્ય એ ફોરેસ્‍ટ અધિકારી શ્રી કરમુર તથા શ્રી પિડારિયા સાથે વ્‍યવસ્‍થા કરી હતી તથા પાલિકાના રમેશ વાઘેલાની દેખરેખમાં નવ ટ્રેકટર લાકડા સ્‍મશાને પહોંચાડયા હતા.

લાકડાની અછતની જાણ થતા કલ્‍યાણ હોટલવાળા સચીનભાઈ દતાણીએ બે ટ્રેકટર લાકડાની તથા પર્યાવરણ મિત્ર એવા બળતળની વ્‍યવસ્‍થા તુરંત જ કરી આપી હતી તો અગ્રણી પ્રજાપતિ ધીરૂભાઈ ટાંકોદરાએ ૧૫૦ મણ લાકડાની વ્‍યવસ્‍થા કરી હતી, તો ભાણવડ શ્રીજી મેડીકલવાળા અજયભાઈ લોહાણાએ પણ લાકડા પ્રાપ્‍ત કરવામાં મદદ કરી હતી તો બ્રહ્મ અગ્રણી સુરેશભાઈના સૌજન્‍યથી પણ ૧૫૦ મણ જેટલા લાકડાની વ્‍યવસ્‍થા થઈ છે.

હિન્‍દુ સ્‍મશાનમાં હાલ પંદર દિ' ચાલે તેટલા લાકડાનો સ્‍ટોક થઈ ગયો હોય ખોટી અફવામાં ના માનીને ગમે ત્‍યારે અંતિમ સંસ્‍કાર માટે લાકડા હોય લોકોને ગેરમાર્ગે ના દોરાવા જણાવાયુ છે.

(1:40 pm IST)
  • કોવિડ -19 રસી ઉપર અમેરિકી પ્રમુખ જો બાયડને જણાવ્યું છે કે "અમેરિકામાં "16" વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક આજે રસી મેળવવા પાત્ર છે. જેમ બને તેમ સૌ રસી જલ્દી મુકાવે" access_time 12:19 am IST

  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 663 અને ગ્રામ્યના 98 કેસ સાથે કુલ અધધધ 761 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો બન્યા બેબાકળા access_time 7:53 pm IST