Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મોરબીમાં તંત્રનાં ચોપડે ૩ મોત : ફાયરબ્રિગેડ દ્વારા ૧૪ની અંતિમવિધિ

ઘરે-ઘરે વધતા કોરોના દર્દીઓ વચ્ચે સરકારી ચોપડે માત્ર ૫૪ કેસ જ : આંકડા છુપાવવાનો ખેલ યથાવત

(પ્રવીણ વ્યાસ દ્વારકા)મોરબી,તા.૧૯ : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે ૧૮ એપ્રિલ, રવિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૯૧૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૫૪ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

 જ્યારે આજે પણ મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૨ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે આજે સત્તાવાર આજે અગાવનું એક મોત અને આજના ૨ મોત સહિત મોરબી જિલ્લામાં ત્રણ કોવિડ ડેથ જાહેર કર્યા છે.

 જ્યારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ ૧૪ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : ૨૭

મોરબી ગ્રામ્ય : ૧૨

વાંકાનેર સીટી : ૦૨

વાંકાનેર ગ્રામ્ય : ૦૨

હળવદ સીટી : ૦૩

હળવદ ગ્રામ્ય : ૦૨

ટંકારા સીટી : ૦૦

ટંકારા ગ્રામ્ય : ૦૨

માળીયા સીટી : ૦૦

માળીયા ગ્રામ્ય : ૦૪

આજના જિલ્લાના કુલ નવા કેસઃ૫૪

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : ૧૦

વાંકાનેર તાલુકામાં : ૦૨

હળવદ તાલુકામાં : ૦૭

ટંકારા તાલુકામાં : ૦૦

માળીયા તાલુકામાં : ૦૨

આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ ૨૧

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એકિટવ કેસ : ૫૫૭

કુલ ડિસ્ચાર્જ કેસ : ૩૫૧૧

મૃત્યુઆંક : ૨૨ (કોરોનાના કારણે) ૨૭૨ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : ૨૯૨

કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ  : ૪૩૬૦

અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : ૨૩૪૭૬૫

 

સિવિલ હોસ્પિટલમાં અજય લોરિયા અને તેની ટીમ સેવા આપવા તૈનાત

 મોરબી સિવિલ હોસ્પિટલ ઘણી બધી મુકશેલીઓ વચ્ચે ડોકટર સહિતનો સ્ટાફ દર્દીઓની સેવા કરીર રહ્યો છે અને ટાંચા સાધનોમાં દર્દીઓને સારવાર આપી રહ્યો છે પરંતુ છતાં પણ અનેક મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે સેવાભાવી અજય લોરીયા દર્દીઓની વ્હારે આવીને ઓકિસજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી માટે તેઓની ટીમ તૈનાત કરી દીધી છે.

સેવા કાર્યમાં હમેશા તત્પર રહેતા અજયભાઇ લોરીયાએ રેમડેસીવીરની અછત દરમિયાન પોતાના ખર્ચે રેમડેસીવીર ઇન્જેકશન મંગાવીને દર્દીઓ સુધી પહોંચાડ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલના સ્ટાફ પાસે રેમડેસીવીર ઇન્જેકશન કલેકટ કરવાનો સમય ન હોય તેઓ પોતાની ટીમ રાખીને ઇન્જેકશન કલેકટ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું સેવા કાર્ય કરી રહ્યા છે. સિવિલમાં સ્ટાફની અછતને પગલે રાત્રીના સમયે ઓકિસજનનો બાટલો બદલાવવાવાળું કોઈ ન હોય જેથી દર્દીઓને અનેક મુશ્કેલીઓ પડતી હોઉં ત્યારે અજયભાઇ લોરીયા મેદાને ઉતર્યા છે. તેઓએ પગારધોરણ ઉપર યુવાનોની ટીમ રાખીને ઓકિસજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી કરાવવાની જાહેરાત કરી દીધી હતી.જેને પગલે કેટલાક યુવાનોએ તેમનો સંપર્ક કર્યો હતો. અને તેઓએ પગાર ઉપર નહિ પણ સેવા કાજે તેઓની સાથે જોડાવવાની ઈચ્છા વ્યકત કરી હતી. બાદમાં આ યુવાનો અજયભાઇ લોરીયાની સાથે સિવિલ હોસ્પિટલમાં તૈનાત થઈ ગયા છે. તેઓ અત્યારે સ્ટાફની કામગીરી કરી દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.

ધારાસભ્ય દ્વારા મિટીંગ

 મોરબી શહેર સાથે ગ્રામ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનોને મોરબી શહેરમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાના આવવું પડે તથા શહેરીજનોને ઘર આંગણે કોરોનાનો ટેસ્ટ થાય તે હેતુથી આરોગ્ય ધન્વંતરી રથનું આયોજન હાથ ધરવા ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ આરોગ્ય શાખા સાથે પરામર્શ કર્યો હતો.  

સોમવારના રોજ અલગ અલગ વિસ્તારમાં આ ધન્વંતરી રથ આવશે.

નોંધ : આ રથ બીજા શહેરી તથા ગામડાઓને પણ આવરી લે તે અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ બ્રિજેશ મેરજા, ધારાસભ્ય, મોરબી-માળીયા(મી)એ જણાવ્યુ છે.

મોરબીમાં નવયુગ ગ્રુપ દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરને રૂ. ૨.૫૧ લાખનું અનુદાન

 મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ખૂબ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં ઓકિસજન વાળા બેડના અભાવે કોઈને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે ઓકિસજન વાળા ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. તે અનુસંધાને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા રૂ. ૨,૫૧,૦૦૦ નું અનુદાન આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લો આર્થિક રીતે સુખી સંપન્ન છે. તો હાલની આ કોરોના સંક્રમણની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ તેમજ આર્થિક સદ્ધર વ્યકિતઓ આવા સેવાકાર્યમાં આગળ આવીને લોકોને ઉપયોગી થાય એવી અપીલ પણ કરવામાં આવી છે.

હારશે કોરોના..જીતશે મોરબી : ગરબે ઝૂમી ''માં''ની આરાધના કરતા દર્દીઓ

એનેકવિધ ખૂબીઓની સાથે ભારે ખુમારી ધરાવતા મોરબીવાસીઓએ ભૂતકાળમાં પણ બબ્બે કુદરતી આપતી વખતે ફિનિકસ પંખીની જેમ રાખમાંથી બેઠા થઈને અકલ્પનિય વિકાસ કર્યો હતો તેનાથી સમગ્ર દેશ જ નહીં દુનિયા પણ પરિચત છે.ત્યારે આ મોરબીવાસીઓની લોહીમાં રહેલી ખુમારી સામે કોરોનાની શુ વિસાત ? ખરેખર મોરબીવાસીઓની ખુમારી નજરોનજર નિહાળવી હોય તો યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત સર્વ સમાજ માટેના કોરોના કેર સેન્ટરની મુલાકાત લો તો આપોઆપ ખબર પડશે કે  કોરોના હોવા છતાં ત્યાંના હળવાફૂલ વાતાવરણથી દર્દીઓ કોરોનાને હરાવવા કેટલા કટિબદ્ધ છે.

મોરબીમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સર્વધર્મ સમભાવની ભાવના અખંડિત રાખીને તમામ સમાજના જરૂરિયાત મંદ દર્દીઓને તાત્કાલીક આરોગ્ય સુવિધા આપવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપે આગળ આવીને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સર્વ સમાજ માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવન રાબારીની આગેવાનીમાં દર્દીઓને સઘન સારવારની સાથે કોરોનાનો હાઉ મનમાંથી દૂર કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. ખાસ કરીને દર્દીઓને કુદરતી વાતાવરણમાં અલગ અલગ બેસાડી ડીજેના સથવારે ગરબા કે ભજનની ઘૂન વગાડવામાં આવે છે. જેમાં દર્દીઓ ભકિતમય બનવાની સાથે ગરબાની તાલે રીતસર ઝૂમી ઉઠે છે. જેથી કોરોનાના હાવ મનમાંથી ગાયબ થઈ જાય છે. તેમજ દર્દીઓને આ કોવિડ સેન્ટર ભારેખમ ન લાગે અને ઘર જેવું જ લાગે તે માટે પરિવારજન જેવું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. પરિવારમાં જેમ કાળજી લેવામાં આવે તેજ રીતે દર્દીઓની નાનામાં નાની બાબતની કાળજી લઈને પરિવારજનો જેવી જ હૂંફ આપે છે. ખાસ કરીને મનમાંથી કોરોનાનો હાઉ દૂર થાય એટલે ઝડપથી દર્દીઓ સાજા થઈ જાય છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપના કોરોના કેર સેન્ટરમાં સેવા આપતા ડોકટરો અને મેડિકલ સ્ટાફ અને નર્સ દર્દીઓ સાથે આત્મીયતા કેળવી પરિવારજનોની હૂંફ સાથે આપી રહેલી ઉમદા ફરજ બિરદાવા લાયક છે.

અનેક સેવાકીય, સામાજિક,ધાર્મિક, શૈક્ષણિક કાર્યોમાં રચનાત્મક અભિગમ સાથે યોગદાન આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના અગ્રણીઓ દેવેનભાઈ રબારી તેમજ દિલીપભાઈ બરાસરા (પત્રકાર) ના માર્ગદર્શન હેઠળ ગ્રુપના સભ્યો માનવ સેવાની જ્યોત પ્રજલવિત કરી રહ્યાં છે.

(12:59 pm IST)
  • ઓડિશામાં કુંભમેળામાંથી પરત ફરનારા માટે RT-PCR ટેસ્ટ અને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન લોકો પોતાના ઘરે કે પછી ક્વોરન્ટાઈન સેન્ટરમાં પણ સમય પુરો કરીને ઘરે જઈ શકે ઓડિશા સરકારે પણ કુંભમાંથી પરત ફરનારાઓ માટે 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન સાથે RT-PCRનો ટેસ્ટ ફરજીયાત કરી નાખવામાં આવ્યો છે. લોકો પોતાના ઘરે કે પછી ક્વોરન્ટાઈન સેન્ટરમાં પણ સમય પુરો કરીને ઘરે જઈ શકે છે access_time 1:45 pm IST

  • કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ ફરી એક વખત રદ્દ access_time 4:49 pm IST

  • સ્ટેશનરી પેપર બુક્સ મર્ચન્ટ ઍસો. દ્વારા કાલથી શનિવાર સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : તમામ સ્ટેશનરી, વેપારી અને કાલે તા. ૨૦ થી ૨૪ ઍપ્રિલ મંગળવાર સુધી સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે ચુસ્ત લોકડાઉન પાળવા ઍસોસીઍશનની અપીલ access_time 6:18 pm IST