Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોના સંક્રમણ અટકાવવા સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વૈચ્છીક બંધ

દુકાનોનાં સમયમાં ફેરફારઃ આરોગ્ય વિભાગમાં દોડધામઃ મહામારીને કાબુમાં લેવા પ્રયાસો

પ્રથમ તસ્વીરમાં મેટોડા બંધ, બીજી અને ત્રીજી તસ્વીરમાં વડીયામાં મળેલ મિટીંગ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારી પ્રસરી છે ત્યારે સંક્રમણ અટકાવવા માટે, અનેક જગ્યાએ સ્વૈચ્છીક લોકડાઉન સાથે ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમો દોડધામ કરી રહી છે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ :.. જસદણમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ ફેલાતું જઇ રહ્યું છે શહેરમાં હજજારો દર્દીઓ અને તાલુકાના અનેક ગામોમાં કોરોના દર્દીઓ વધતા જઇ રહ્યા છે ત્યારે આને લઇ રવિવારથી એક અઠવાડીયું હીરાનાં કારખાના ફટાફટ બંધ થઇ ગયા જસદણમાં હીરા ઉદ્યોગ સાથે અંદાજે દસ હજાર જેટલા લોકો જોડાયા છે એ પૈકી ઘણાં કોરોનાની ઝપટે ચડી જતા તાત્કાલીક આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

ચલાલા

(પ્રકાશ કારીયા દ્વારા) ચલાલા : ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ સાદાણી, કિરાણા એસો.ના પ્રમુખશ્રી નવનીતભાઇ નગદીયા સહિત તમામ વેપારીઓ જેવા કે કટલેરી, રેડીમેઇડ, ફરસાણા, કાપડ, સ્ટેશનરી, સહિતના તમામ વેપારી ભાઇઓએ સ્વયંભુ તા. ૧૯-૪ થી તા. ૩૦-૪ સુધી સવારના ૮ થી ૩ સુધી જ વેપાર ધંધા ચાલુ રાખશે. બપોરના ૩ કલાકથી સંદતર તમામ વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખશે.

ખીરસરા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા :.. મેટોડા જીઆઇડીસીમાં બપોરના ર વાગ્યા પછી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે અને ટ્રાન્સપોર્ટની તમામ ઓફીસો પણ બંધ રહેશે.

વડીયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડીયા : કોરોના મહામારીના બીજા તબક્કામાં સંક્રમણ બેકાબુ બનતા દિન પ્રતિદિન વડિયા અને આસપાસના વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આસપાસના ગામના લોકો અને વડિયામાં કોરોના સંક્રમણને રોકવા માટે વડિયાના વેપારીઓની એક મિટિંગ વડિયા ગ્રામપંચાયત ના ગ્રાઉન્ડ માં સામુહિક વિચાર  અને ચર્ચા કરવા મળી હતી. તેમાં તમામ વેપારીઓની સર્વ સહમતી થી રવિવાર ને ૧૮/૪ થી ૨૫/૪ સુધી આઠ (૮)દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય માં આવશ્યક સેવા જેવીકે  શાકભાજી, દૂધ, ફ્લોર મિલ ને માટે સવાર અને સાંજ  ૬ થી ૯ વાગ્યાં સુધી ખુલ્લા રાખવા અને મેડિકલ સેવા સમગ્ર દિવસ ઉપલબ્ધ રહેશે એ સિવાય ની તમામ પ્રકાર ના વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંકર્મણની સાંકળને તોડવા માટે વડિયા ના વેપારી મંડળના પ્રમુખ  મિતુલ ગણાત્રા, જિલ્લા પંચાયત ના સદસ્ય વિપુલ રાંક, સરપંચ  છગનભાઇ ઢોલરીયા અને વેપારી મંડળના આગેવાનો, વેપારીઓ અને અગ્રણીઓની મિટિંગ માં આ વડિયા વિસ્તારના વધતા કોરોના સંકર્મણ ને રોકવા લેવામાં આવ્યો છે. ત્યારે વડિયા સરપંચ છગનભાઇ ઢોલરીયાના જણાવ્યું મુજબ વડિયા વિસ્તારના લોકોને કોરોના મહામારી થી બચાવવા માટે આ નિર્ણય સર્વસહમતી થી વેપારીઓની મિટિંગ યોજી લેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં જો હજુ સંક્રમણ વધશે અને કોવીડ કેર સેન્ટર ઉભુ કરવાની જરૂર જણાશે તો તે બાબતે પણ અમે આગળ આવી આ વિસ્તારના લોકો માટે વ્યવસ્થા કરવાની જરૂરિયાત જણાય તો તે બાબતે પણ વ્યવસ્થા કરવામાં આવશે.

(12:12 pm IST)