Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ગોંડલમાં એક જ દિ'માં ૯ મોત : સ્વૈચ્છીક લોકડાઉન લંબાવાયુ

ખાનગી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ પણ સંક્રમિત : કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ

ગોંડલ : સ્વૈચ્છીક લોકડાઉનમાં દુકાનો બંધ રાખવામાં આવી રહી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૯: કોરોના એ ગોંડલને અજગર ભરડામાં લીધું હોય તેમ લોકો ટપોટપ મૃત્યુને ભેટી રહ્યા છે.આજે એકજ દિવસમાં કોરોનાને કારણે નવ વ્યકિતઓએ જીવ ગુમાવ્યાં છે. શહેરનાં સિનિયર પત્રકાર જીતુભાઈ આચાર્ય નાં ભાણેજ મહેશ્રવરીબેન ઉ.૩૮નું કોરોના ને કારણે મૃત્યુ નિપજતાં શોક ફેલાયો હતો.મહેશ્રવરીબેન કોરોનાગ્રસ્ત થતાં છેલ્લા દશ દિવસ થી અત્રે ની સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.પરંતુ સારવાર કારગત નિવડી ના હતી.

સિવિલ હોસ્પિટલ સહીત ખાનગી હોસ્પિટલો ફુલ હોય સારવાર માટે લોકો અહીંતહીં ભટકી રહ્યા હોય પરીસ્થિતી સ્ફોટક બનવાં પામી છે.

ગોંડલ વેપારી મહા મંડળ અને નગરપાલિકા તંત્ર દ્વારા ગત સપ્તાહે સાંજના સાતથી સવારના સાત વાગ્યા સુધીના અપાયેલા અઠવાડિયાના સ્વૈચ્છિક લોકડાઉન બાદ પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય વધુ સ્વૈચ્છિક લોકડાઉન ની જરૂરિયાત જણાતી હોય ગોંડલ શેહેરમાં વધુ ૮ દીવસ સ્વૈચ્છિક લોકડાઉન સાંજના ૬ થી સવારના ૬ સુધી જાહેર કરવામાં આવ્યું છે. નાનાં મોટાં તમામ વેપારીઓ ને પોતાના ધંધા રોજગાર સાંજનાં ૬ થી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જાહેર જનતાને પણ બીન જરુરી દ્યર બહાર નહીં નિકળવાં અપીલ કરવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ ની દુકાનો ખુલી રાખવામાં આવશે તેમજ ગોંડલ સીટી પી.આઈ. એસ.એમ. જાડેજા દ્વારા જણાવાયું છે કે કોઈપણ વેપારી કે ગ્રાહક માસ્ક વગર તેમજ દુકાનમાં સોશ્યિલ ડિસ્ટન્સ નહીં જળવાય તો તે વેપારી સામે દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરની ખાનગી કે સરકારી હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા મળી રહી નથી લોકો મોતના ભયથી ફફળી રહ્યા છે ખાનગી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ પણ સંક્રમિત થઈ ગયા છે.કોરોનાની સારવાર કરી રહેલ ખાનગી હોસ્પિટલનાં તબીબ ખુદ કોરોનાગ્રસ્ત થતાં સમૂળગી હોસ્પિટલ બંધ થવાં પામી છે. મુકતેશ્વર સેવા ટ્રષ્ટ સંચાલિત મુકિતધામ ખાતે કોરોનાથી મૃત્યુ પામેલા ફરામરોજ હોરમસજી મારોલીયા પારસી ઉ.વ. ૮૩, મગનભાઈ રણછોડભાઈ રૂપાપરા ઉ.વ. ૫૧, કિરણબેન પ્રકાશભાઈ સાટોડીયા ઉ.વ. ૩૬, હિંમતલાલ કરમશીભાઈ ભેંસદડીયા ઉ.વ.૭૨, કાંતાબેન ભીખુભાઇ દેવગણીયા ઉ.વ. ૮૨, તેમજ ઇન્દુબા ધર્મેન્દ્રસિંહ હાડા ઉ.વ. ૫૫ ના અગ્નિસંસ્કાર કરવાની સાથે કોરોનાથી મૃત્યુનો આંક ૪૦ ને પાર થઈ જવા પામ્યો હતો.

આ ભયાવહ પરિસ્થિતિ ને અનુલક્ષીને તબીબો, આગેવાનો અને અધિકારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે ઘરમાં રહો માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, લોકડાઉનનું પાલન કરો અન્યથા હજુ પણ પરિસ્થિતિ ખરાબ અને કાબુ બહાર થઈ જશે.બીજી બાજુ લોકો હજુ પણ શોશ્યલ ડિસ્ટન્સ ને અવગણી કોરોના ને આમંત્રણ આપતાં દ્રષ્યો જોવાં મળી રહયાં હોય ગોંડલ માં કોરોના સંક્રમણ બેખૌફ થવાં પામ્યું છે.

(12:11 pm IST)