Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ભેંટસુડા બાદ દસાડામાં પશુબલીની ઘટના

માનતાના નામે ૬ ઘેટા બકરા વધેરી નખાયાની વિજ્ઞાન જાથાની રાવ : પોલીસે અટકાયતી પગલા લઇ તપાસ હાથ ધરી : માનતા કરનારને લોકઅપ જોવી પડી : અન્ય સ્થળે આવા બનાવ ન બને તે માટે તકેદારીની રજુઆત

રાજકોટ તા. ૧૯ : તાજેતરમાં સુરેન્દ્રનગરના ચોટીલાના ભેંટસુડામાં ૧ પાડો અને ૩૦ બોકડાની બલી ચડાવી દેવાયાની વાતનો રોષ હજુ શમ્યો નથી, ત્યાં સુરેન્દ્રનગર પંથકના જ દસાડામાં ૬ બેટા બકરાની બલી ચડાવી દેવાયાની ઘટના બહાર આવી હોવાનું ભારત જન વિજ્ઞાન જાથાની એક યાદીમાં જણાવાયુ છે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ એક યાદીમાં જણાવેલ છે કે દસાડાના ગવાણીયાવાસમાં માતાજીનો માંડવો છે. જયાં ર બોકડાની બલી ચડી ચુકી છે અને હજુ ૪ બોકડાની બલીની તૈયારી ચાલી રહી હોવાની બાતમી કોઇએ જાથાની કચેરીને આપી. હતી. ૧૮ મીના વહેલી સવારની માહીતીના આધારે જાથાની ટીમે તપાસ હાથ ધરી જરૂરી આધાર માટે ફોટોગ્રાફસ અને વીડીયો કલિપ પણ મંૅગાવી લીધેલ.

પુરાવા એકત્ર થયા બાદ તુરંત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલને અને બાદમાં દસાડા પોલીસ સ્ટેશનને જાથા દ્વારા જાણ કરવામાં આવી હતી. જરૂરી ફોટોગ્રાફસ અને વીડીયો પણ દસાડા પી.એસ.આઇ.ને મોબાઇલ પર મોકલી અપાયા હતા.

પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચતા પહેલા તો હાજર લોકોએ પશુબલીના તમામ અવશેષો આડાઅવળા મુકી કઇ ન બન્યુ હોય તેવું વાતાવરણ બનાવી નાખ્યુ હતુ. પરંતુ ફોટા અને વિડીયોના આધાર તપાસ કરી રહેલ પોલીસે આકરો મિજાજ બતાવી માનતા કરનાર તેમજ અન્ય લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં જવાબદારો સામે કડક પગલા ભરવા તેમજ આ વિસ્તારમાં જ આવા બનાવો બનતા હોય ફરી આવી ઘટના ન બને તે માટે પોલીસે સજાગતા દાખવવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હોવાનું જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

 

(12:03 pm IST)