Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ભુજની સરકારી કોવિડ હોસ્‍પિટલમાં એક સાથે ૧૧ મૃતદેહના વાયરલ વીડિયોએ સર્જ્‍યો ખળભળાટ

મુખ્‍યમંત્રી, ના. મુખ્‍યમંત્રીની મુલાકાત બાદ ગણત્રીના જ કલાકોમાં રેમિડિસિવીર ઇન્‍જે.ની બબાલ અને મૃતદેહોના વાયરલ વીડિયોએ લોકોમાં દહેશત, કચ્‍છમાં પરિસ્‍થિતિ વધુ વણસે તે પહેલા અધિકારીઓ, પદાધિકારીઓ લોકોમાં વિશ્વાસ ધરપત પેદા થાય તેવા પગલાં ભરે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૯:  શનિવારે કચ્‍છ આવેલા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ પત્રકાર પરિષદમાં કચ્‍છમાં કોરોનાની સારવાર સંદર્ભે રહેલ ત્રુટીઓ અને તંત્રના અધિકારીઓના નકારાત્‍મક અભિગમ બાબતે પત્રકારોએ ધ્‍યાન દોર્યું હતું.

બન્ને મહાનુભાવોની મુલાકાત બાદ ગણત્રીના જ કલાકોમાં સોશ્‍યલ મીડિયામાં ભુજની મુખ્‍ય કોવિડ હોસ્‍પિટલના વાયરલ થયેલા બે વીડિયોએ લોકોમાં ચર્ચા સાથે ચિંતા સર્જી છે. બે પૈકીનો એક વીડિયો ભુજની સરકારી હોસ્‍પિટલમાં દૂરથી દૂરથી આવેલા અને કલાકોથી લાઈનમાં ઉભેલા દર્દીઓના સગાવ્‍હાલા ઈન્‍જેકશન ન મળતાં પરેશાન થઈને સિવિલ સર્જનને ઘેરી વળેલા દેખાય છે. તો, કોરોનાનો ખોફ અને દહેશત સાથે ખળભળાટ સર્જતો બીજો વીડિયો કચ્‍છની મુખ્‍ય કોવિડ હોસ્‍પિટલ અદાણી જીકેમાં એક સાથે ૧૧ મૃતદેહોનો છે. આ વીડિયો ભુજની અદાણી જીકે હોસ્‍પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર તેમ જ અન્‍ય સારવારમાં દર્શાવાતી બેદરકારી અંગે સતત લડત ચલાવતાં કોંગ્રેસના અગ્રણી ભુજના રફીક મારાએ પોતાના ફેસબુક પેજમાં ગઇકાલે અપલોડ કર્યો હતો.

જે વાયરલ થતાં એક સાથે અલગ અલગ ૧૧ મૃતદેહોને પ્‍લાસ્‍ટિકમાં પેક થતાં જોઈને લોકોમાં દહેશત અને ખળભળાટ મચી ગયો છે.  જોકે, આ વીડિયોને ‘અકિલા' સમર્થન આપતું નથી. તો, આ વીડિયો વાયરલ થયા બાદ અને તે વિશે કચ્‍છના સ્‍થાનિક સમાચાર માધ્‍યમોમાં અહેવાલો આવ્‍યા પછી પણ તે અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈ સ્‍પષ્ટતા કરાઈ નથી. લાશ અંગેનો વિડિયો ક્‍યારનો છે તે અંગે વધુ કોઈ માહિતી નથી પણ, તે ભુજની મુખ્‍ય કોવિડ હોસ્‍પિટલ અદાણી જીકે નો છે એ પાદભૂમાં દેખાય છે.

(11:24 am IST)