Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

૮૬ વર્ષથી અખંડ જયોતથી ઝળહળતું માણાવદરનું ચૈતન્ય હનુમાન મંદિર

કોઇપણ પ્રકારના ફંડ ફાળા વગર સ્વૈચ્છિક ભેટ-સહયોગથી ચાલતુ મંદિર : ભાવિકોને ભારે આસ્થા

માણાવદરમાં બિરાજમાન શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : પી.એસ.રૂપારેલીયા,માણાવદર)

માણાવદર તા.૧૯ : માણાવદર પંથકનું અનોખું હનુમાનજી મંદિર એટલે શ્રી ચૈતન્ય હનુમાન મંદિર માણાવદર કોઇ ટ્રસ્ટ નહી, કોઇ મંડળ નહી, કોઇ ગાદીપતી નહી, કોઇ ચેલા કે ચેલી વગર કેવળ રામભરોસે ૮૬ વર્ષથી ચાલતી અખંડ જયોતથી ઝળહળતું શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર માણાવદર પંથકનું પ્રાચીન અને અવધૂતી મંદિર મનાઇ છે.

માણાવદરના પાવર હાઉસ સામે આવેલા શ્રી ચૈતન્ય હનુમાન મંદિર નવાબી કાળથી અડીખમ ઉભુ છે. આજથી ૪૫ વર્ષ પહેલા સિનેમા ચોકથી રેફલર હોસ્પિટલ થઇ નવનાલા પાર કરીને ઉકાબાપાની વાડીમૌ ચૈતન્ય હનુમાનની ડેરીએ જર્મન કે પીતળનો ચા પીવાનો પ્યાલો લઇને તેલ ગોળ જનોઇને સાત અડદના દાણા નાખીને હનુમાનજીને તેલ ચડાવા જાતા, અસલ ખેડૂતપુત્ર એવા ઉકાબાપા હનુમાનજીની સેવા પૂજા કરે, લીલુછમ ખેતર, મગડી મગફળીની કતારબંધ હાર, ખેતરની ફરતે ગડગડીયા કાળા પાણા (પથ્થર), તથા મગફળીના રક્ષણ માટે હાથલા થોર - કુંવારની રક્ષક દિવાલ વચ્ચે નાનકડી ઝાપલી પછી પગકેડી શનિવારે બપોરે ચારેક વાગ્યે થી હનુમાનદાદાને તેલ ચડાવવા માટે ટબુડી કે ચાના પ્યાલામાં નાના મોટા છોકરાઓની ચાર પાંચ જણાની ટોળકી હનુમાન જતી હાલક પાડે... ભૂત પલીતકા દાંત પાડે...ની જય બોલાવતા નાનકડી ડેરીએ પહોચે.. સફેદ ધોવેલા ચોખ્ખા ચોરણીે પહેરણ પહેરેલા ચકચકાટ કરતું મોઢુ સદાપ્રસન્ન રહેતા ખડખડતા હસતા ઉકાબાપા જે સીતારામ બોલે, છોકરાઓ આવી ગયા ને.... લ્યો આ પ્રસાદીનું જલ... ટોપરૂને સાકર લ્યો. અહીયા જનાવર આંટો મારે છે. (જનાવર એટલે સાપ સર્પ) સડી કે કાંકરી ચારો કરતા નહી (લઘુશંકા) ખોખારો ખાઇને કરજો. દી આથમે પહેલા ઘરે પુગી જજો...! આવજો.. જે સીતારામ.

...આવુ કહેતા ઉકાબાપા દેકીવાડીયા. ઉકાબાપા દેકીવાડીયાની વાડીમાં જ ચૈતન્ય હનુમાનજીનું મંદિર દર્શન કરવા અને તેલ ચડાવવા અનેક લોકો આવે માણાવદરનો સર્વત્ર વિકાસ થયો ચારે બાજુથી વિકસી રહ્યુ છે. આજે ચૈતન્ય હનુમાન મંદિરને શોધવુ પડે તેવી સ્થિતિ છે.

૮૬ વર્ષથી અખંડ જયોત (અખંડ દિપ) ચાલે છે તે જૂનાગઢ જિલ્લાના માણાવદર નગરમાં પાવર હાઉસની સામે આવેલ શ્રી ચૈતન્ય હનુમાન મંદિર છે. સ્વયંભુ પ્રગટ થયેલી મનમોહન પથ્થરમાંથી પ્રગટ થયેલી મૂર્તી છે. ચમેલીના તેલમાં બનારસી સિહોરથી ઝળહળતુ મુખ, નાનકડો છતા નાજુક મુગટ, દિવ્ય મનોહર નયનો, આંકડાની માળા, ૮૬ વર્ષની અવિરત પણે ચાલતી અખંડ જયોત કહો કે અખંડ દિપ નું તેજોમય તેજ અખંડ જયોતની તદન નજીક અષ્ટ વિનાયક આઠ નાના નાના ગણેશજી બિરાજે. સિંદુર યજ્ઞોપવિત, મસુદ ફૂલ, મધુરો નાદ કરતી પીતળની નાનકડી ઘંટણી, જગોરા મારતો નાનકડો ઘંટ, પાંચ સાત અગરબતી પ્રજજવલીત તાજુ પણ ઉભુ ફાટેલ શ્રી ફળની પ્રસાદી ચૈતન્યની અવધૂતી અનુભુતી કરાવે તેવુ મંગલમય વાતાવરણ સિંહોરથી સુશોભીત મંદિરની જમણી બાજુ પૂર્વ મુખી બટુકભૈરવ દાદા તેની પાસે નાના નાના ચાર ગણપતીજી મસૂદ પુષ્પોથી શોભે છે. ૮૬ વર્ષથી ચાલતી અખંડ જયોતના તેજોમય પ્રકાશમાં શ્રી ચૈતન્ય હનુમાનજી ૧૨ ગણપતીજી અને બટુક ભૈરવજીનું દિવ્ય અને ચૈતન્યની અનુભૂતિ કરાવતુ સ્થાન એટલે શ્રી ચૈતન્ય હનુમાનમંદિર માણાવદર.

અત્યારે શ્રી ચૈતન્ય હનુમાન મંદિરની પાસે શ્રી ગાયત્રીમંદિર, બ્રહ્મસમાજની વાડી આહિર સમાજની વાડી, વિરાટ શિવમંદિર, આકાર લઇ રહ્યુ છે. સ્કુલો, અનેક મકાનો, બિલ્ડીંગો, એપાર્ટમેન્ટોમાં પાંચેક હજાર થી વધારે રહીશોથી આ વિસ્તાર ધમધમી રહ્યો છે. કોઇપણ જાતના ફંડ ફાળા વગર કેવળ સ્વૈચ્છિક ભેટ સહયોગથી સ્વયંભુ મંદિર આવી હનુમાનજીને અર્પણ કરી સુંદર રીતે સ્વયંભુ રીતે ભાવક ભકતો સુંદર રીતે વહીવટ કરે છે. મંદિરના પરિસરમાં બેસવાના બાકડા જલસેવા સવારસાંજ આરતી સફાઇ દર અઠવાડીયે સિંદુર લેપન, હનુમાન જયંતીએ બટુક ભોજન, કાળી ચૌદશ અને તહેવારોએ રોશની, મંગળવાર તથા શનિવારે મોટી સંખ્યામાં ચૈતન્ય હનુમાનજી મંદિરે લોકો આવે છે.

વિરાટ અન્નપુર્ણા ભવન સુંદર સ્વચ્છ બેઠક વ્યવસ્થા ચૈતન્ય હનુમાન મંદિરમાં માણાવદર પંથકની પાંચ અવધૂતી ચેતનાઓમાં સમર્થ લોકસંત અને શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સ્થાપક પૂ. રઘુવીરદાસ બાપુ (માણાવદર) માસીરમાંથી મહાત્મા થયેલા. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા શ્રી મન્નનથુરામ શર્માજી (આનંદ આશ્રમ લીંબુડા), સમર્થ સંત પૂજય ડાયારામબાપા (નાનડીયા), સ્વામીનારાયણ ભગવાનના સખા ભુદેવ મયારામ ભટ્ટ (માણાવદર) અને શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરમાં નવાબી સમયથી અખંડ જયોત છેલ્લા ૮૬ વર્ષથી ભાવિક ભકતોના સહયોગથી ચાલે છે. તેથી અવધૂતી ચેતનાની અનુભુતી થાય છે.

સ્વયંભુ રીતે સુંદર સંચાલન થતુ સ્વૈચ્છિક ભેટથી ચૈતન્ય પુરતુ શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર ૨૪ કલાક રામભકતો માટે સતત ખુલ્લુ રહે છે.(૪૫.૬)

(12:44 pm IST)