Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

યુવાનોથી જરા પણ ઉતરતા નહિં, એવા ઉત્સાહ સાથે મતદાનની પ્રેરણા આપી રહ્યા છે, ભાવનગરના આ વયોવૃદ્ધ મતદારો

૧૨૦ વર્ષના બાલુભાનો નિર્ધાર, અબાલવૃદ્ધ સૌ કોઈ અચુક કરે મતદાન

ઘરનો પ્રસંગ હોય, તો ઉત્સાહ કોને ન હોય ! આબાલ-વૃદ્ઘ સૌ કોઈનામાં પરિવારના પ્રસંગને લઈને થનગનાટ તો રહેવાનો જ, અને તેમાંય આ તો આખા દેશનો સૌથી મોટો તહેવાર, 'દેશ કા મહા ત્યૌહાર', ભારતીય ચૂંટણી પંચે આ વખતની લોકસભા સામાન્ય ચૂંટણીની આ જ તો ટેગલાઇન રાખી છે ને.

જી હા, વાત થઈ રહી છે. લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણીઓની. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીઓને લઈને દેશના યુવાનોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો પછી વિશ્વની સૌથી મોટી લોકશાહીની તમામ ચૂંટણીઓના સાક્ષી બનનારા ભાવનગરના વયોવૃદ્ઘ મતદારોમાં કેમ પાછળ રહી જાય તો ચાલો, આવા શતાયુ મતદારો સાથે કરીએ થોડી વાતચીત...

ભાવનગરની માસ્ટરમિલ સોસાયટી વિસ્તારમાં રહેતાં ૧૨૦ વર્ષનાં બાલુબા વેરુભા ગોહિલ આજે પણ કડેધડે છે અને અચૂક મતદાન કરવા જાય છે. આ ઉંમરે પણ બાલુબા ઘરમાં જાતે હાલીયાલી શકે છે તેમજ તેમનાં કાન અને જીભ પણ સાબૂત છે. કેટલી દિવાળી જોઈ? એવું પૂછતાં બાલુબા જરા હળવાશથી કહે છે કે, 'ભઈ, એ તો હવે યાદ નથી કે કેટલી દિવાળી જોઈ' અને સાથે ઉમેરે છે કે પણ હા, મતદાન દરેક ચૂંટણીમાં અચૂક કર્યું છે. આસપડોશની મહિલાઓને તેમજ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓને પણ મતદાન કરવાની પ્રેરણા આપી, બાલુબા જેવાં વડીલો નવયુવાનોને દેશના આ મહાતહેવારમાં જોડાવાનો અનોખો રાહ ચીંધે છે.

સ્વાતંત્ર્ય સેનાની શતાયુ તખ્તસિંહ પરમારની મતદાનમાં અણનમ સેન્ચુરી

વાત થઈ રહી છે, ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને સરદારસિંહ રાણા તેમજ પૃથ્વીસિંહ આઝાદ સાથે આઝાદીની લડતમાં યાત્રાઓ કરીને જેલમાં જઈ આવેલા સ્વાતંત્ર્ય સેનાની એવા તખ્તસિંહ હેરાભાઈ પરમારની. પુત્ર-પુત્રીઓ, પૌત્રો અને પ્રપૌત્રો સહિતની ચાર પેઢી સુધીની લીલી વાડી જોઈ ચૂકેલા તખ્તસિંહદાદા છેલ્લા એક વર્ષથી પથારીવશ છે, આમ છતાં, મતદાન કરવા માટેનો તેમનો ઉત્સાહ આજે પણ યુવાનને શરમાવે તેવો છે. લોકશાહી પ્રત્યેની તેમની આ શ્રદ્ધામાં ખભેખભો મિલાવીને તેમની સાથે ઊભાં રહે છે ૯૨ વર્ષનાં પત્ની રામકુંવરબા..

પિતાજીની લોકશાહી પ્રત્યેની શ્રદ્ઘા અંગે વાત કરતાં, જયેષ્ઠ પુત્ર જગદીશભાઈ જણાવે છે કે, ઙ્કપિતાજીનો મતદાન કરવાનો થનગનાટ એવો કે અમારા વિદ્યાનગર વિસ્તારના મતદાન મથક પર સૌથી પહેલા મતદાર બાપુજી અને બા જ હોય. એટલું જ નહીં, અમને સૌ પરિવારજનોને પણ સાથે લઈ જઈ વહેલી સવારે જ મતદાન કરાવે. મતદાન કર્યા બાદ આસપાસના નાગરિકોને પણ મતદાનનું મહત્ત્વ સમજાવી, વહેલામાં વહેલી તકે મતાધિકારનો ઉપયોગ કરવા માટે સમજાવે છે.

યુવાનો માટે પ્રેરણારૂપ ૧૦૨ નોટઆઉટ મતદાર : લવજીભાઈ

શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં બચુભાઈની વાડી પાસે રહેતા મૂળ રાજપરાના લવજીભાઈ હીરાભાઈ કાકડિયા વર્ષોથી પરિવાર સાથે ભાવનગર સ્થાયી થયા છે. મોટા ભાગનો પરિવાર સુરત રહે છે. ૧૦૨ વર્ષેના લવજીભાઈ મતદાન કરવામાં પણ '૧૦૨ નોટઆઉટ' છે.

બીજી તરફ, તેમનાં જ નજીકનાં સગાં ૮૫ વર્ષીય શાંતુબેન બચુભાઈ કિકાણી પણ કડેધડે છે, પુત્રવધૂ સાથે મળીને સાડીને જરદોશી કામ કરે છે, જરા ઓછું સાંભળે છે. પણ મતદાન કરવા માટે મકકમ છે. આજે પણ મતદાનના દિવસે સવારે બીજું કોઈ કામ શરૂ કરતાં અગાઉ પહેલું કામ મતદાન કરવાનું કરે છે.

ભારતીય ચૂંટણી પંચની યાદી અનુસાર, ભાવનગર જિલ્લામાં કુલ ૪૪૪ શતાયુ મતદારો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાતહેવારમાં જોડાઈને આ તમામ વડીલો નવયુવાન મતદારો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

ખાસ લેખ : અમિત રાડીયા, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર

(12:43 pm IST)
  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન: કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી access_time 2:09 am IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST