Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મોદીના રાજમાં વચેટિયા દૂર, સીધો ગરીબોને લાભઃ પડધરીમાં સભા ગજાવતા નરહરિ અમીન

રાજકોટઃ. લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાના સમર્થનમાં પડધરીની મોવૈયા ચોકડી ખાતે ગઈકાલે વિધાનસભા ક્ષેત્રના કાર્યાલયનું ઉદઘાટન થયેલ. આ પ્રસંગે આયોજન પંચના ઉપાધ્યક્ષ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીને સભા સંબોધતા જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. જનધન ખાતાઓ દ્વારા સરકારી સહાયનો સીધો ગરીબોને લાભ મળી રહ્યો છે. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે કહેતા કે હું દિલ્હીથી ૧ રૂપિયો મોકલુ છું અને લાભાર્થી સુધી ૧૫ પૈસા જ પહોંચે છે. મોદીના રાજમાં વચેટિયાઓ દૂર થઈ ગયા છે. સરકારી યોજનાનો સીધો લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ૭.૧૭ કરોડ પરિવારને ગેસ જોડાણ આપ્યા છે. ૭૯ લાખ શૌચાલયો બનાવ્યા છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર પ્રજાલક્ષી કામ કરી રહી છે. ૧૧ ગરીબ કલ્યાણ મેળા દ્વારા ૨૬૦૦૦ કરોડની સહાય સીધી ગરીબોને આપવામાં આવી છે. કોંગ્રેસના રાજમાં મેડીકલની ૧૧૮૦ બેઠકો હતી આજે ૫૪૦૦ બેઠકો છે. કેન્દ્રની આયુષ્યમાન ભારત અને રાજ્યની માં અમૃતમ યોજના આરોગ્ય ક્ષેત્રે ગરીબ મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ બની છે.  સભામાં મોહનભાઈ, ધનસુખ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ વગેરેએ સંબોધન કરેલ. બાવનજીભાઈ મેતલિયા, ડી.કે. સખિયા, પરસોતમભાઈ સાવલિયા, ધીરૂભાઈ તળપદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:37 pm IST)