Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

હાર ભાળી ગયેલી સરકાર દેશ મુકીને અમરેલીમાં આવી છેઃ પરેશ ધાનાણી

અમરેલી :ગુજરાતની લોકસભાની ચૂંટણીમા હાલ અમરેલી બેઠક પર ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. અહી વિપક્ષના નેતા અને અમરેલીની રગેરગથી વાકેફ એવા પરેશ ધાનાણી મેદાનમાં છે, જે ઘરે-ઘરે ફરીને પક્ષનો પ્રચાર કરવામાં કંઈ જ બાકી નથી રાખતા. તો બીજી તરફ, ભાજપ પણ પોતાના માટે જીતવી મુશ્કેલ એવી આ બેઠક પર જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે. આજે પીએમ મોદીની સભા પણ અમરેલીમાં યોજાઈ હતી. જેમાં તેમણે પરેશ ધાનાણીનો ઉલ્લેખ કરીને નિશાન તાક્યુ હતું. જેના જવાબમાં પરેશ ધાનાણી કહ્યું કે, હાર ભાળી ગયેલી સરકાર દેશ મૂકીને અમરેલીમાં પડ્યા છે.

પરેશ ધાનાણીની પ્રતિક્રીયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાની બાદ વિપક્ષના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દીવથી લઈને દિલ્હી સુધી ભાજપનો સફાયો થશે. 8 હજારની જનમેદની સંબોધવા મોદીને ધક્કો થયો. અમરેલીના ખેડૂતને હરાવવા આખા ભાજપના અમરેલીમાં ધામા છે. મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી બધા અમરેલીમાં આવ્યા. સ્મૃતિ ઈરાની અને યોગી આદિત્યનાથની સભા ગોઠવાઈ છે. હાર ભાળી ગયેલી સરકાર દેશ મૂકીને અમરેલીમાં પડ્યા છે.

પીએમ મોદીએ સભામાં પરેશ ધાનાણી પર કર્યો પ્રહાર

અમરેલીની સભામાં આજે વડાપ્રધાન મોદીએ પરેશ ધાનાણી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અહીંયા તમારા ભાઈએ સરદાર સાહેબનું અપમાન કરવામાં કહી બાકી નથી રાખ્યું. સરદાર સાહેબના સ્ટેચ્યુને ભંગાર કહ્યા. તેઓને શરમ નથી આવતુ આવુ બોલતા? આવા નેતાઓ તમારી સામે આવે તો શરમ આવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, બજેટ સત્ર દરમિયાન પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારનું સ્ટેચ્યુ કહ્યું હતું. જેના બાદ સત્રમાં ભારે હોબાળો થયો હતો.

(5:27 pm IST)